નફાની લાલચ વેપારીને ભારે પડી: સાયબર ગઠિયાએ 60 દિવસમાં 26 કરોડથી વધુનું કરી નાખ્યું…

ગાંધીનગર: આજકાલ ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. મોટા વેપારીઓને લૂંટવા માટે ચોર હવે તેમની તિજોરી તોડતા નથી. પરંતુ ઓનલાઇન પૈસા પડાવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે એક ગઠિયાએ વેપારી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે. ગાંધીનગરના એક વેપારીને શેરબજારમાં ભારે નફો કમાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ માત્ર 60 દિવસના ટૂંકા ગાળામાં જ રૂપિયા 26.66 કરોડની વિશાળ રકમની છેતરપિંડી કરી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.
વેપારીએ કર્યું 500 ડૉલરનું રોકાણ
વેપારીએ સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણની જાહેરાત જોઈને શરૂઆતમાં 500 ડૉલરનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમના ડિજિટલ વૉલેટમાં 101 ડૉલરનો નફો દર્શાવાયો અને તેમાંથી રૂપિયા 43,500 સફળતાપૂર્વક ઉપાડ્યા, ત્યારે તેમને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. આ વિશ્વાસને પગલે વેપારીએ 2 મહિનાના સમયગાળામાં અલગ-અલગ તબક્કે કુલ રૂપિયા 26.66 કરોડનું જંગી રોકાણ કરી દીધું હતું. જોકે, આ રકમ રોક્યા બાદ તેમને એક પણ રૂપિયો પાછો મળ્યો નહોતો, જેના કારણે તેમણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ અને ધરપકડ
પોલીસને શરૂઆતની તપાસમાં માલૂમ પડ્યું કે, છેતરપિંડીથી મેળવેલા આ પૈસામાંથી રૂપિયા 25 લાખ રાજકોટની ઇન્ડસઇન્ડ બૅન્કનાં 4 જુદાં-જુદાં ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાયા હતા. પોલીસે આ ખાતાધારકોની તપાસ કરીને આંતરરાજ્ય સાયબર ફ્રોડનું આ રેકેટ ચલાવનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી હતી.
પોલીસે આ કેસમાં કૅશિયર આસિફ અમીનભાઈ થયમ અને રેકેટના મુખ્ય આરોપી અમન ચોટલીયા સહિત કુલ સાત આરોપીઓની રાજકોટમાંથી ધરપકડ કરી છે. પોલીસે હવે આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અને તેના ઓપરેશનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.



