ગાંધીનગરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત: ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન

ગાંધીનગરઃ પાટનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે આ ગૌરવશાળી સમારોહ યોજાયો હતો. આ દરમિયાન આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યાં હતા.
બાળકોના ઘડતરમાં આંગણવાડી પ્રથમ પગથિયું
ગુજરાત રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો અત્યારે કાર્યરત છે. જ્યારે 170 વધુ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં પ્રધાનો અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતની આંગણવાડી બહેનોની વ્હારે આવી સુપ્રીમ કોર્ટ, આપ્યો આ ચુકાદો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડીએ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની મહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે. તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત – સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત 2047 માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યુ હતું.
આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોની યશોદા સાથે સરખામણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય આપ્યું છે તેને પાર પાડવા રાજ્ય સરકાર માતાઓના પોષણ અને સ્વાસ્થ્ય તેમજ ભુલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. આ સાથે બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને તેને ભવિષ્યનો નાગરિક બનાવવાનું દાયિત્વ નિભાવતી આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન અને ઘડતર કરે છે.
આ પણ વાંચો : રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ: BRTS અને AMTSમાં મહિલાઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી
નવા 10 હજારથી વધુ નંદઘરો બનાવવામાં આવશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો 170 જેટલા નવા આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સમારોહમાં કરતાં આવનારા વર્ષોમાં નવા 10 હજારથી વધુ નંદઘરો બનાવવાના રાજ્ય સરકારના આયોજનની વિગતો ભૂપેન્દ્ર પટેલે આપી હતી. આ સાથે રાજકોટ, સુરત અને વડોદરા ઝોનના નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ જિલ્લા કક્ષાએથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
ગૌરવશાળી સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.



