ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ કરી રહી છે જંગી રોકાણ, કેન્દ્ર સરકારે આપ્યા આટલા નાણા
ગાંધીનગરઃ આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે.
આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. ૭૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.
ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ ૨૦૨૦માં ૧૫ અબજ ડોલરનું હતું, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૪૦૦ ટકાથી વધુની હરણફાળ સાથે ૬૩ અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.
આપણ વાંચો: PM Modi: વડા પ્રધાન મોદીએ યુએસની દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓ સાથે મીટિંગ કરી
અગાઉ સાણંદ ખાતે રૂ. ૨૨,૫૦૦ કરોડથી વધુની કિંમતના માઈક્રોન કંપનીના સેમિકંડક્ટર ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. ૯૧,૦૦૦ કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) અને ટાઈવાનની કંપની PSMC દ્વારા કરવામાં આવશે.
સાણંદ જી.આઈ.ડી.સીમાં કુલ રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકંડક્ટર OSAT ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે, આ પ્લાન્ટ દ્વારા રૂ. ૩,૩૦૦ કરોડના રોકાણ સાથે અંદાજે ૬૦ લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરવામાં આવશે.
સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે સાનુકૂળ ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યું છે. જેના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડક્ટર કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે.
જેની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં ૦૪ જેટલી સેમિકન્ડક્ટર કંપનીઓ દ્વારા કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેક્ટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં નવી સંભવિત ૫૩,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવ્યું છે.