ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની રહ્યો છે અને હાલ તેનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ગઇકાલે જ આ મામલે મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કાર્યવાહીની સમીક્ષા કરી સૂચનો પણ આપ્યા હતા. આજે પંચમહાલ જિલ્લામાં ચાંદીપૂરા વાયરસથી એક બાળકનું મોત થયું છે, જ્યારે જિલ્લામાં વધુ પાંચ નવા શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં હાલ ચાંદીપૂરા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ વાયરસે દેખા દીધી છે. આજે પંચમહાલ જિલ્લામાં આ વાયરસના પાંચ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ પાંચ કેસોમાં ગોધરા તાલુકામાં 2, મોરવા હડફમાં 2 અને એક ઘોઘંબામાં નોંધાયો છે. આ બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને જિલ્લા આરોગ્યની ટીમે ત્રણ સ્થળોએથી સેન્ડ ફલાયના સેમ્પલ એકત્રિત કર્યા છે.
આ પણ વાંચો: chandipura virus : પૂણે આપેલા 7 ટેસ્ટમાંથી 1 ટેસ્ટ કન્ફર્મ; હવે ગાંધીનગરમાં જ થશે ટેસ્ટિંગ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. ગઇકાલે રાજ્યમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળી હતી. આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી તેમજ મુખ્યપ્રધાને કામગીરીને લઈને સૂચનો આપ્યા હતા.
આ વાયરસની ઝપેટમાં 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો આવી રહ્યા છે. આથી તંત્ર દ્વારા શાળાઓમાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ અને સાથે જ પાણીનો ભરાવો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.