
ગાંધીનગરઃ ગુજરાતમાં ગઈ કાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખૂશી જોવા મળી હતી. ગત કાલે ભીમ અગિયારસના દિવસે ગોંડલમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગોંડલ સાથે કોટડા સાંગાણી તાલુકાના રામોદ, જામકંડોરણા, સાતોદડ અને ચરેલમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી હતી.
આગામી 4થી 5 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે
આગાહીની વાત કરવામાં આવે તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 22 જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે રાજ્યમાં 14 તારીખથી ચોમાસુ વિધવત રીતે બેસી જવાનું છે. વરસાદ સાથે સાથે અંબાલાલ પટેલે ગરમી અંગે પણ આગાહી કરી છે. આગામી 4થી 5 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે અને ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચશે. મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે. તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજની વાત કરવામાં આવે તો આજે 7 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા,નર્મદા અને મહીસાગર જેવા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો….હવામાન વિભાગ દ્વારા આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી