ગાંધીનગરમાં SIR પ્રક્રિયાની સમીક્ષા યોજાઈ, રાજ્યમાં 1 કરોડથી વધુ ફોર્મનું વિતરણ કરાયું

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના હેઠળ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (Special Intensive Revision – ‘સર’) ઝુંબેશની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. 27 ઓક્ટોબર, 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાની સમીક્ષા માટે ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. ચાલો તેની વિગતે ચર્ચા કરીએ…
અત્યાર સુધીમાં 5.03 કરોડથી વધુ ફોર્મ પ્રિન્ટ થઈ ચૂક્યા
મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ બેઠક દરમિયાન માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ 5.08 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. તમામ મતદારોને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો આપવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 5.03 કરોડથી વધુ ફોર્મ પ્રિન્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી 1.01 કરોડથી વધુ ફોર્મ મતદારોના ઘેર પહોંચાડવામાં આવી ગયા છે. બાકીના ફોર્મ્સનું વિતરણ ઝડપથી પૂર્ણ કરાશે. આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.
આપણ વાચો: બિહારમાં મતદાર યાદીમાં ગોટાળા પર ગોટાળાઃ એક પછી એક અજીબ કિસ્સા આવી રહ્યા છે બહાર
ભારતના ચૂંટણી પંચના નિયામક દ્વારા નિર્દેશો આપવામાં આવ્યાં
ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને માર્ગદર્શન આપ્યું હતું. બુથ લેવલ અધિકારીઓ મતદારો સુધી કેવી રીતે અસરકારક રીતે પહોંચી શકે અને કેવી રીતે ફોર્મ ભરવામાં સહાયતા કરી શકે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યાં હતાં. મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિસ્તારવાર આયોજન કરવાની સૂચના પણ આપવામાં આવી.
કલોલ તાલુકામાં ‘સર’ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી
ભારતના ચૂંટણી પંચે રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશ્નરોને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે, જેથી મતદારોને વધુ સહાય મળી રહે. આ સાથે, ચૂંટણી પંચની ઉચ્ચ અધિકારીઓની ટીમે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ‘સર’ પ્રક્રિયાની સમીક્ષા પણ કરી હતી. બેઠકમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.



