ગુજરાતમા બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ, 1.15 કરોડ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા

ગાંધીનગર : ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જે શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ રિપોર્ટ આપે છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધુ ડિજિટલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામા આવ્યા છે. આ ડિજિટલ હેલ્થ કાર્ડમાં દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ આરોગ્ય તપાસ અને સારવાર સંબંધિત વિગતો હોય છે. જેથી બાળકોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી શકાય.
બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મેળવતા ગુજરાતે 2019થી 2023 દરમ્યાન નવજાત શિશુઓની આરોગ્ય તપાસ, જન્મજાત વિકૃતિની ઓળખ અને તેમના અસરકારક સંચાલનમાં મોટા રાજ્યોની શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
બાળકોને હૃદય સંબંધિત રોગો માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી
ગુજરાતની મહત્વપૂર્ણ યોજના શાળા આરોગ્ય તપાસણી હેઠળ રાજ્યમાં દર વર્ષે 992 મોબાઇલ હેલ્થ ટીમો અને 28 જિલ્લા પ્રારંભિક હસ્તક્ષેપ કેન્દ્રો દ્વારા 1.61 કરોડથી વધુ બાળકોની તપાસ કરવામાં આવે છે. જાન્યુઆરી 2025 સુધીમાં, આ પહેલ હેઠળ 206 કિડની, 37 લીવર અને 211 બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 20,981 બાળકોને કિડની સંબંધિત, 11,215 બાળકોને કેન્સર અને 1,67,379 બાળકોને હૃદય સંબંધિત રોગો માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બાળકોના ‘વિકાસ’ની સ્થિતિ છે ગંભીર, કેગના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…
બે પ્રતિષ્ઠિત ગોલ્ડ SKOCH એવૉર્ડ એનાયત
તે જ રીતે, SH-RBSK(શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) હેઠળ ગુજરાત સરકારની “બ્રેકિંગ ધ સાયલન્સ” ઝુંબેશ ગંભીર હિઅરિંગ લોસ ધરાવતા બાળકોને નિ:શુલ્ક કૉક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા પ્રદાન કરે છે. રાજ્ય સરકાર તરફથી રૂપિયા 228 કરોડના સહયોગથી આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 3,260 બાળકોએ શ્રવણ શક્તિ પાછી મેળવી છે. આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં, ગુજરાતના આરોગ્ય વિભાગને બાળ સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ બે પ્રતિષ્ઠિત ગોલ્ડ SKOCH એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.