CM, Dy. CM અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પહોંચ્યા: કઇ બાબતે થશે હાઇ-લેવલ બેઠક?

ગાંધીનગર: ભાજપ દ્વારા તાજેતરમાં જગદીશ વિશ્વકર્માને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક સાથે નવા સંગઠનની રચનાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આવી અટકળોની વચ્ચે ગુજરાત ભાજપના ત્રણ નેતાઓને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે.
ભાજપ મોવડી મંડળ સાથે થશે બેઠક
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત કરવાની છે, પરંતુ હજી કોઈ જાહેરત થઈ નથી. ત્યારે હવે ગુજરાતના ત્રણ નેતાઓ દિલ્હી પહોંચતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, સૌ પ્રથમ આ ત્રણેય નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુલાકાતમાં નવા સંગઠનના માળખા અંગે ચર્ચા થઈ શકે છે.
ત્યારબાદ તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને સાથે પણ બેઠક કરશે. જેમાં સંગઠનાત્મક નિયુક્તિને લઈને વાતચીત થશે એવી સંભાવના રહેલી છે. આ બેઠકમાં સરકારની કામગીરીને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર અને RSS પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ પણ દિલ્હીમાં જ છે. તેથી દિલ્હીમાં ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કોઈ મોટો નિર્ણય લેવાય એવી અટકળો વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ, ભાજપના મોવડી મંડળ સાથેની મુલાકાત બાદ ત્રણેય નેતાઓ દિલ્હીથી પરત ફરી શકે છે.
આપણ વાંચો: કર્ણાટક કોંગ્રેસમાં વર્ચસ્વની લડાઈ યથાવત! સિદ્ધારમૈયા અને શિવકુમાર આજે દિલ્હીમાં હાઈકમાન્ડને મળશે



