મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી | મુંબઈ સમાચાર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

વિકાસલક્ષી બધા જ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલનો આદેશ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

આ સમીક્ષા દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે. પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરાં થાય એટલું જ નહીં, પ્રોજેક્ટમાં થતા વિલંબથી નાણાકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે. આ સાથે સાથે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ-2025 સુધીમાં પૂર્ણ કરવાના આદેશ પણ આપ્યાં હતાં.

ક્યા પ્રોજેક્ટમાં કેટલું કામ થયું?

કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા 30 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને 6862 મેગાવૉટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થયા છે. ડિસેમ્બર-2026 સુધીમાં RE પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. લોથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પ્લેક્સ મામલે બંદરો અને વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું કે, રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવણી, પાણી પુરવઠાની પાઇપલાઇન, વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઈન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઈટ સુધીનો રસ્તો ચાર-માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ મથક, પોલીસ સ્ટેશન, સ્ટેટ પેવેલિયનની કામગીરી પ્રગતિમાં છે.

આ પ્રોજેક્ટ્સની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા
ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 1 થી 6 ફેઈઝની પ્રગતિ
સુરતના ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે સબમિટ કરાયેલો માસ્ટર પ્લાન
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી

સુરત ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે પણ ચર્ચા થઈ

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ આઈપી ગૌતમે કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઈઝ 1 થી 6 અન્વયે વાસણા બેરેજથી લઈને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધીની તબક્કાવાર હાથ ધરાનારી કામગીરીની વિગતો આપી હતી. વડાપ્રધાનની પ્રેરણાથી સુરતમાં નિર્માણ થઈ રહેલા ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનો જે માસ્ટર પ્લાન રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે કેવા આદેશો આપ્યાં?

આ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ અને તેને સંલગ્ન બાબતોની સમીક્ષા કરાઈ હતી. આ સાથે ભૂપેન્દ્ર પટેલે બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ક્વોલિટી એસ્યોરન્સને તથા ટાઈમલાઈનને અગ્રતા આપવાની સંબંધિત સચિવોને જરૂરી સૂચનાઓ આપી હતી.

સમીક્ષા બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું?

મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ એમકે દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, મુખ્ય પ્રધાનના સલાહકાર એસએસ રાઠૌર, વિભાગોના અગ્ર સચિવો અને મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.

આપણ વાંચો:  કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button