
ગાંધીનગર: રાજ્યમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થઈ શકે છે. ગુજરાતમાં વધુ ઉદ્યોગોને આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર આગામી ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરી શકે છે. 2026ની શરૂઆતમાં આ નીતિ જાહેર થવાની શક્યતા છે અને તેમાં ઉદ્યોગોની સમગ્ર વ્યાખ્યા બદલવામાં આવી શકે છે.
રોકાણ મર્યાદા બમણા કરતાં પણ વધુ કરવાની દરખાસ્ત
સૂત્રો મુજબ. સરકાર તેની પ્રસ્તાવિત નવી ઔદ્યોગિક નીતિમાં સૂક્ષ્મ, નાના , મધ્યમ ઉદ્યોગો (MSME) અને મોટા ઉદ્યોગો માટે રોકાણ મર્યાદા અને ટર્નઓવર મર્યાદા બંને વધારવાની શક્યતા છે. રોકાણ મર્યાદા બમણા કરતાં પણ વધુ કરવાની દરખાસ્ત છે, જ્યારે તમામ સેગમેન્ટ માટે ટર્નઓવર મર્યાદા બમણી કરવાની દરખાસ્ત છે. હાલમાં નવી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં રોકાણને આકર્ષક વિકલ્પ બનાવવામાં આવી શકે છે
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, ઉદ્યોગો માટે રોકાણ અને ટર્નઓવરના માપદંડો વધારવાથી તેઓને સરકાર તરફથી વધુ પ્રોત્સાહનો મળશે. વિકાસ સાથે જોડાયેલા ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી નીતિમાં, એકમોને રાજ્યમાં સ્થાપના કરવા બદલ ઘણું વધારે પ્રોત્સાહન મળશે. ફુગાવાના પરિણામે, હાલના પ્રોત્સાહનોને મજબૂત કરવાની અને રાજ્યમાં રોકાણને આકર્ષક વિકલ્પ બનાવવાની જરૂર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા અનુક્રમે ₹1 કરોડ, ₹10 કરોડ અને ₹50 કરોડ છે. નવી નીતિ હેઠળ, સરકાર સૂક્ષ્મ ઉદ્યોગો માટે રોકાણ મર્યાદા વધારીને ₹2.50 કરોડ, નાના ઉદ્યોગો માટે ₹25 કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે ₹125 કરોડ કરવા માંગે છે. પરિણામે, આ એકમોને તેમના રોકાણ માટે વધુ પ્રોત્સાહનો મળશે.
તેવી જ રીતે, તમામ સેગમેન્ટ માટે ટર્નઓવર મર્યાદા પણ બમણી કરવાનો પ્રસ્તાવ છે અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે ₹10 કરોડ, નાના ઉદ્યોગો માટે ₹100 કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે ₹500 કરોડ નક્કી થવાની અપેક્ષા છે. મોટા ઉદ્યોગો માટે, રાજ્ય સરકારે હાલની મહત્તમ ₹2,500 કરોડની પ્રોત્સાહક રકમને વધારીને ₹10,000 કરોડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી PLI (ઉત્પાદન-સાંકળિત પ્રોત્સાહન) યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલા ક્ષેત્રોને નવી ઔદ્યોગિક નીતિમાં આપમેળે સનરાઇઝ સેક્ટર ગણવામાં આવશે.
હાલ કોણ PLI યોજનામાંથી લાભ મેળવે છે
સૂત્રોએ જણાવ્યું કે મોટા અને થ્રસ્ટ સેક્ટરના ઉદ્યોગો માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાની મુદત 2030 સુધી લંબાવવામાં આવશે અને તે નવી ઔદ્યોગિક નીતિની મુદત સાથે સહ-સમાપ્ત થશે. હાલમાં, ફાર્મા, ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને ટેક્સટાઇલ સહિતના 14 મુખ્ય ક્ષેત્રો PLI યોજનામાંથી લાભ મેળવે છે.



