કેચ ધ રેઈનઃ સુજલામ સુફલામ જળ સંચય (02) અભિયાનનો મહેસાણાથી શુભારંભ
ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા ૩૧ મે સુધી જળસંચયનું 'મહાઅભિયાન' હાથ ધરાશે

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
ચોથી એપ્રિલ એટલે આજથી લઈને ૩૧મી મે ૨૦૨૫ સુધી રાજ્યભરમાં યોજાશે. આ ‘કેચ ધ રેઈન’ સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરીને ભૂગર્ભના જળસ્તર ઊંચા લાવવાના કામો વેગવાન બનાવવામાં આવશે.
આપણ વાંચો: સુજલામ સુફલામ રાજ્યને ફળી હોવાનો સરકારનો દાવોઃ સરકારે માહિતી આપતા કહ્યું કે
કયા કયા કામો કરવામાં આવશે?
આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.
આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવાનો સરકારનો નિર્ણયઃ 10,000 બોર રિચાર્જ કરાશે
‘એક પેડ માં કે નામ’ અભિયાનને આપો સાથ
મુખ્ય પ્રધાને વરસાદી પાણીના ટીપે ટીપાંનો સંચય અને સંગ્રહ કરવા સાથે પર્યાવરણ જાળવણી માટે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ગ્રીન કવર વધારવા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં અને સ્વચ્છ ભારત માટે સૌને સક્રિય સહયોગ આપવા આ અવસરે અનુરોધ કર્યો હતો.
તેમણે ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’થી તળાવ, ચેકડેમ ઊંડા કરવા અને નદીઓની સાફ-સફાઈથી વધુને વધુ પાણીનો સંગ્રહ કરીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડા પ્રધાનનો ‘કેચ ધ રેઈન’ અભિગમ ઉપકારક નિવડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કેટલો થયો વધારો
રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન અન્વયે ૨૦૧૮ થી ૨૦૨૪ના સાત વર્ષ દરમિયાન જે ૧,૦૭,૬૦૮ કામો હાથ ધરવામાં આવેલા છે તેમાં તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના ૩૬,૯૭૯, ચેકડેમ ડીસીલ્ટિંગના ૨૪,૦૮૬ તથા ૬૬,૨૧૩ કિલોમીટર લંબાઇમાં નહેરોની અને કાંસની સાફ-સફાઈના કામો થયા છે.
આ બધા કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૧,૧૯,૧૪૪ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને ૧૯૯.૬૦ લાખ માનવદિન રોજગારી ઉભી થઈ છે.
રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી નોંધ
સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે અને આ અભિયાનને ૨૦૨૦માં પ્લેટિનમ તથા ૨૦૨૧માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.