ગાંધીનગર

ગુજરાતમાં આવતીકાલે 18 જિલ્લામાં મોક ડ્રીલ, રાતના 7.30 વાગ્યાથી આઠ વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ

ગાંધીનગર: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક

આવતીકાલે ગુજરાતમાં યોજાનારી મોક ડ્રીલના આયોજનને ધ્યાનમાં રાખીને, આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પ્રસ્તાવિત કાર્ય યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણના ડીજીપી મનોજ અગ્રવાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી

18 જિલ્લામાં યોજાશે મોક ડ્રીલ

ગૃહ રાજ્ય પ્રધાને મોકડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે.

આપણ વાંચો: 1971 બાદ દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે મોક ડ્રિલ, જાણો સાયરન વાગે ત્યારે શું કરશો…

અમદાવાદના આઠ સ્થળોએ યોજાશે મોક ડ્રીલ

આવતીકાલે અમદાવાદના આઠ જેટલા સ્થળોએ મોક ડ્રીલની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં લાલ દરવાજા અપના બજાર, સિધું ભવન રોડ, જગન્નાથજી મંદિર, જી.એમ.ડી.સી બિલ્ડીંગ વસ્ત્રાપુર , વાય.એમ.સી બિલ્ડીંગ એસ.જી.હાઇવે, આર.ટી.ઓ કચેરી રાણીપ, અંકુર સ્કુલ, પાલડી, દીવાન બલ્લુભાઇ સ્કુલ કાંકરીયા, મ્યુનીસીપલ કોઠા, દાણાપીઠ તેમજ મેમનગર ફાયર સ્ટેશન ખાતે મોક ડ્રીલની કાર્યવાહી કરવામાં આવશે. તે માટે કાર્યવાહીની જવાબદારી ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર પી.આર.મોદીને સોંપવામાં આવી છે.

તે ઉપરાંત ગાંધીનગર ખાતે સચિવાલય બિલ્ડીંગ અને ગીફ્ટ સીટી ખાતે મોક ડ્રીલની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીની જવાબદારી ઇન્ચાર્જ ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર વાય. બી. જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…

હર્ષ સંઘવીએ મોકડ્રિલ અંગે આપી માહિતી

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મોકડ્રિલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, ગુજરાતે આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 18 જિલ્લાઓમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રીલના ભાગરૂપે, આગામી 7મી મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રિલને લઈને કોઈએ પણ ડરવાની સહેજ પણ જરૂર નથી.

શું કરવું જોઇએ?

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ:

બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (૨) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.

કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ.

લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
આવતીકાલે સાંજે 7:30 થી 8:30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે.
જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button