વિધાનસભામાં કોંગ્રેસ-આપ આ મુદ્દે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરશે; મેવાણી-ઈટાલીયા મોરચો સંભાળશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતા મહીને યોજાઈ શકે છે, આ સત્ર દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) ભુપેન્દ્ર પટેલની સરકારને વિવિધ મુદે ઘેરવા માટે તૈયારીઓ કરી રહી છે. હાલમાં તૂટી પડેલા ગંભીરા બ્રીજ ઉપરાંત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી દુર્ઘટના ચર્ચાનો મુદ્દો રહેશે. અહેવાલ મુજબ કોંગ્રેસ અને AAP ફિક્સ પગારનો મુદ્દો જોરશોરથી ઉપાડી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ફિક્સ પગારની વ્યવસ્થા અમલમાં છે. નવા ભરતી થતા સરકારી કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળે છે, ત્યાર બાદ પગારમાં વધારો થાય છે.
આપણ વાંચો: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે
કોંગ્રેસે આ વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે અન્ય રાજ્યોમાં ફિક્સ પગાર માત્ર બે વર્ષ માટે હોય છે, જ્યારે કેરળમાં ફિક્સ પગારની કોઈ વ્યવસ્થા જ નથી. ફિક્સ પગાર મુદ્દે કોંગ્રેસ અને આપ અત્યારથી જ આક્રમક વલણ દાખવી રહી છે, વિધાનસભામાં આ મુદ્દે ઘમાસાણ જોવા મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નોંધનીય છે પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલીયા(Gopal Italiya)ની જીત થતા AAPના ગુજરાત યુનિટમાં નવો પ્રાણ પુરાયો છે. હાલમાં જ મોરબીથી ભાજપના વિધાનસભ્ય કાંતિ અમૃતિયા સામે ગોપાલ ઈટાલીયાએ ટક્કર આપી હતી. વિધાનસભાના સોમાસુ સત્રમાં AAPના યુવા નેતા ગોપાલ ઈટાલીયા ગૃહમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ કોંગ્રેસનો મોરચો યુવા નેતા જિગ્નેશ મેવાણી(Jignesh Mevani)એ સંભાળ્યો છે.
આપણ વાંચો: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો
કોંગ્રેસ અને આપ એક બીજા સામે ચૂંટણીઓ લડે છે, પરંતુ યુવાનો અને રોજગારીના મુદ્દે બંને પક્ષોએ સરકર સામે સંયુક્ત મોરચો ખોલ્યો છે.
વડગામથી કોંગ્રસના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે. જીગ્નેશ મેવાણીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા રાજ્યમાં દાયકાઓથી જુલમ અને શોષણનું કારણ બની રહી છે, આ વ્યવસ્થા નાબૂદ થવી જોઈએ.
હાલ મેવાણી આ મુદ્દો તમામ માધ્યમો અને મંચ પર જોરશોરથી ઉઠાવી રહ્યા છે. મેવાણીએ સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે વિધાનસભાના અગામી સત્રમાં એક લાખથી વધુ લોકો ગાંધીનગરમાં એકઠા થશે અને વિરોધ નોંધાવશે. તેમણે કહ્યું કે “હું ગૃહની અંદર તમામ તાકાત લગાવીશ.”
આપણ વાંચો: ગુજરાત વિધાનસભા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું, આ મુદ્દે વિવાદ સર્જાયો
આગમી સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી શકે છે અને આ મુદ્દોને વધુ વેગ આપી શકે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવીએ ફિક્સ પગાર મુદ્દે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે, તેમને કહ્યું, “જો તમારી સરકાર તમારું નથી માનતી તો, તમારે રાજીનામું આપીને જનતાના હીરો બનવું જોઈએ.”
યુવાઓ અને રોજગાર મુદ્દે સતત સક્રિય રહેતા AAPના વધુ એક યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા પણ આ મુદ્દે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પહેલાથી જ ઘણાં મુદ્દે ઘેરાયેલી ભુપેન્દ્ર પટેલની સરકારને વિધાનસભામાં જવાબ આપવા મુશ્કેલ પડી શકે છે. ત્યારે રાજ્ય સરકાર આ મુદ્દાને કેવી રીતે સંભાળે એ જોવું રહેશે.