ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં 9 નગરપાલિકા બનશે ‘મહાનગરપાલિકા’: જાણો શું થશે ફાયદો?

નવા વર્ષમાં રાજ્યના જિલ્લાની સાથે મહાનગરપાલિકાના નકશા બદલાશે

ગાંધીનગર: ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી.

રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આમ નવા વર્ષમાં નવા જિલ્લાને મંજૂરી મળી છે. આમ રાજ્યના જિલ્લા અને મહાનગરપાલિકાના નકશા પણ બદલાશે.

રાજ્યમાં હાલ 17 મહાનગરપાલિકા

ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 8 મહાનગરપાલિકા છે. આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી હતી.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

ત્યાર બાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આથી હવે રાજ્યમાં હાલ 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે.

નવસારી-ગાંધીધામ બનશે મનપા

રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.

ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.

મોરબી અને વાપી મનપામાં ભળશે આટલા ગ્રામ વિસ્તારો

મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે. વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.

આપણ વાંચો: ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી

આણંદ, મહેસાણા બનશે મનપા

આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.

મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોને ભેળવીને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ બનશે મહાનગરપાલિકા

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તેમ જ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. પોરબંદર-છાયા નગરપાલિકા તેમ જ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.

નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સામેલ કરીને નડિયાદ મહાનગરપાલિકા બનશે.

આપણ વાંચો: PHOTOS: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં કરી લંગર સેવા, પીરસ્યું ભોજન

શું થશે ફાયદો?

નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી થશે.

BRTS રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સનો થશે અમલ

મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે.

મહાનગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે. ઉપરાંત નવી મહાનગરપાલિકાઓમાં BRTS, મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button