ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા નહીં: 64 જળાશયો પીવા માટે અનામત, ગયા વર્ષ કરતાં વધુ જળસંગ્રહ

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની સીઝન દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.
રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને શુદ્ધ અને પર્યાપ્ત પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના કુલ 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે આ જળાશયોમાં કુલ 2,23,436 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં, સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 4,39,129 MCFT પાણી સંગ્રહિત છે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 6 ટકા વધુ છે.
18152 ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીના 2432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાઓથી પાણી મેળવી રહ્યા છે.
આ ગામોને પણ જૂથ યોજનામાં સમાવવાના કામો પ્રગતિમાં છે. આમ રાજ્યના તમામ 18152 ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે. પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં આગામી 15 જુલાઈ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.