આપણે પેટમાં શું નાખીએ છીએ?: દિવાળી પહેલા 41 લાખનો અખાદ્ય માલ પકડાયો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

આપણે પેટમાં શું નાખીએ છીએ?: દિવાળી પહેલા 41 લાખનો અખાદ્ય માલ પકડાયો

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં બહારનું ન ખાઈએ તે માટે ઘરમાં મહિલાઓ નાસ્તા બનાવતી હોય છે, પરંતુ ઘરમાં આવતા લોટ, મસાલા, ઘી વગેરે પણ શુદ્ધ આવે છે કે નહીં તે સવાલ છે. ભેળસેળવાળી અવી કેટલીય વસ્તુઓ તમારા કે મારા ઘરમાં પડી હશે, જેને આપણે મોંઘા ભાવ લાવ્યા હોઈશું અને વાપરતા પણ હોઈશું.

જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી સતર્કતા બતાવે છે. તાજેતરમાં તેમણે 13 જેટલી જગ્યાએ રેડ પાડી લગભગ રૂ. 41 લાખનો માલ જપ્ત કર્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હોવાનું વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં તા. ૦૩ થી ૧૧ ઓકટોબર, ૨૦૨૫ દરમિયાન આ વિશેષ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ ૨,૭૯૯ ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૧૧૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તા. ૩ થી ૫ દરમિયાન ઘીના ૩૮૫ નમૂનાઓ, તા. ૬ થી ૮ દરમિયાન ૪૩૧ જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ તેમજ તા. ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ૨૯૮ તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૩૪,૪૯,૩૬૨નો ૮,૬૮૪ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. ૨૬.૨૨ લાખથી વધુ કિંમતનું ૪,૫૦૭ કિલો ઘી, રૂ. ૭ લાખની કિંમતની ૩,૪૧૧ કિલો દૂધ અને દૂધની બનાવટો, રૂ. ૯૦ હજારથી વધુના ૫૬૮ કિલો ખોયા તેમજ રૂ. ૩૬ હજારથી વધુનું ૧૯૮ કિલો કેસીનનો સમાવેશ થાય છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી રૂ. ૬.૪૮ લાખથી વધુનો ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસરો દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે જણાવ્યું હતું.

આપણ વાંચો:  દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, પ્રશાસનના જીવ અદ્ધર…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button