ગાંધીનગરઃ રીલ બનાવવા જતા પાંચ મિત્રો સાબરમતી નદીમા ખાબક્યા, એકનું ડૂબીને મોત | મુંબઈ સમાચાર

ગાંધીનગરઃ રીલ બનાવવા જતા પાંચ મિત્રો સાબરમતી નદીમા ખાબક્યા, એકનું ડૂબીને મોત

ગાંધીનગરઃ યુવાનોમાં અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે પ્રવૃત્ત રહેવા લાગ્યાં છે. આ દુષણ ખૂબ જ વધી રહ્યું છે. સોશિયલ મીડિયામાં લાઈક્સ અને વ્યૂઝ માટે લોકો પોતાનો જીવ જોખમમાં પણ મુકી દેતા હોય છે. આવી જ એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. ગાંધીનગરમાં સોશિયલ મીડિયાના કારણે પાંચ યુવકો નદીમાં ખાબક્યાં હતા. પાંચ યુવકો નદીમાં પડ્યાં હતા તેમાંથી એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

પાંચ મિત્રોને નદી કિનારે રીલ બનાવી ભારે પડી

સોશિયલ મીડિયા દ્વારા લોકોને રાતોરાત વાયરલ થઈને સ્ટાર બની જવું છે. ખાસ કરીને યુવાનો અને બાળકો આનો વધારે શિકાર બની રહ્યાં છે. મોટાભાગનો સમય બાળકો અને યુવાનો મોબાઈલ સાથે વિતાવતા હોય છે. ગાંધીનગરમાં ગઈ કાલે ફતેપુરા વિસ્તારમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ખાબક્યાં હતાં. આ યુવકો રીલ બનાવવા માટે નદી પાસે ગયાં હતા, જે અચાનક નદીમાં ડુબી ગયાં હતાં. પાંચમાંથી ચાર યુવકો તો તરીને કિનારે આવી ગયાં હતાં પરંતુ તેમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું છે.

5 મિત્રો રીલ બનાવવા માટે સાબરમતી નદીએ ગયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીનગરના સેક્ટર 29 ખાતે ચ-7 સર્કલ પાસે આવેલી અમાનપાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે સાબરમતી નદીએ ગયા હતા. સાબરમતી નદી સાથે 15 જેટલા જળાશયોને ભયજનક જાહેર કરવામાં આવેલા છે. એટલા માટે નદીમાં નહાવા માટે ના જવા માટે સૂચના આપવામાં આવી છે. આ યુવકો રીલ બનાવવા માટે માટીની એક નાની ટેકરી ઉપર બેઠા હતા અને અચાનક ધસી પડતા બધા નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી ચાર તો બચી ગયા પરંતુ એક યુવકને કાળ ભરખી ગયો હતો.

મોહમ્મદ શેખનું નદીમાં ડૂબી જતા મોત

આ વિસ્તારમાં ભયજનક સ્થિતિમાં હોવાથી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ યુવકો અહીં નદી પાસે ગયાં હતાં. આ દરમિયાન મોહમ્મદ શેખનું નદીમાં ડૂબી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બાબતે જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે મોહમ્મદ શેખનો મૃતદેહ મળી આવ્યો હતો. અત્યારે મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યો હતો. આ ઘટનામાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આપણ વાંચો:  ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button