ગાંધીનગરટોપ ન્યૂઝ

સરદાર સરોવર ડેમની સપાટી 70 ટકાને પાર; ડેમમાંથી 28,464 કયુસેક પાણી છોડાયું

ગાંધીનગર: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. આજે તારીખ 9 ઓગસ્ટ બપોરે 3 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6662 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વરસાદ પહેલા જ સરદાર સરોવર ડેમની સપાટી વધી તો ભાદર 2 માંથી છોડાયુ પાણી

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોને આરામ મળ્યો હતો. અમદાવાદના એસ. જી. હાઇવે, થલતેજ, ગુરુકુળ અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button