‘કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને ફોન કરજો’: વિક્રમ ઠાકોરનો સમાજ સામે ‘બળવો’

બનાસકાંઠાઃ ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું તેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ઠાકોર સમાજના કેટલાક કલાકારોએ ડીજે વગાડ્યું હોવાનો આક્ષેપ થયો હતો, જેમાં ખાસ કરીને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની ચર્ચા થઈ રહી હતી. ઠાકોર સમાજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યાં હોવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી હતી. હવે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની જેમ વિક્રમ ઠાકોરે પણ સમાજ સામે બાંયો ચઢાવી છે.
વિક્રમ ઠાકોરે પણ સમાજ સામે બાંયો ચઢાવી
વિક્રમ ઠાકોરે કહ્યું કે, જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ ખોટો છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ડીજેથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે. એટલે કે વિક્રમ ઠાકોરે સ્પષ્ટ રીતે સમાજ સામે બળવો કર્યો છે. ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે તદ્દન ખોટો હોવાનો દાવો વિક્રમ ઠાકોરે કર્યો છે.
અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય
એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાત બહાર મુકી દીધા છે. તેમણે કંઇક ડીજે કર્યું હતું. જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં ત્યારે મે ગેનીબેનને વિનંતી કરી હતી, ગેનીબેનને! ત્યારે ગેનીબેન એવું કહેતા હતા કે ભાઇ મે બંધારણ નથી ઘડ્યું, પણ બોલ્યા તો હતા તમે ને? પેલા આગળ તો તમે આવ્યા હતા ને? તમે બોલ્યા હતા ને? તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું હશે. બરાબર છે, બંધારણ કર્યું. ઠાકોર સમાજમાં ઘણાં બધા એવા કુરિવાજો હતા તે દૂર થશે.
ઠાકોર સમાજના બધા આગેવાનોએ જે બહુ સારું કામ કર્યું છે. પણ તેમા ડીજેના જે કલાકારો હતા તે બિચાર ઘરે બેસી ગયાં. જે આગેવાનોએ બંધારણ ઘડ્યુ તે આગેવાનોને પણ ખબર નથી કે ડીજે એટલે શું? એ લોકો શું કહેતા હતા કે ડીજેમાં, ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે અને નાચસે કૂદશે, દારૂ પીશે અને ઝઘડા થશે. એવું જરૂરી નથી. કોઈ ઢોલ વગાડે તોય દારૂ પીનારો પીવાનો જ છે. ઝઘડા કરનારો ઝઘડા કરવાનો જ છે.
આપણ વાંચો: બનાસકાંઠામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી ૧ વર્ષ માટે નાત બહાર કરવાનો લીધો નિર્ણય…



