નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકોનું નોટિફિકેશન જાહેર: જાણો કયા તાલુકાઓનો સમાવેશ થયો?

વાવ-થરાદ જિલ્લામાં કુલ 30 બેઠકો અને 8 તાલુકાઓ રહેશે
વાવ-થરાદઃ બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને લઈને સરકારે બેઠકોનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી ઉત્તર ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયાં છે. તારીખ 1 જાન્યુઆરી, 2025ના રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા જિલ્લાની રચના સાથે જ જિલ્લા પંચાયતની બેઠકોનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઓબીસી માટે કુલ 8 બેઠક અનામત
જાહેરાત પ્રમાણે વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો રહેશે. જેમાં 17 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે, ઓબીસી માટે કુલ 8 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ સાથે અનુસૂચિત જાતિ માટે 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 1 બેઠક અનામત રહેશે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. આ જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ (નવો તાલુકો) અને ઢીમા (નવો તાલુકો) એમ કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિભાજન પહેલા બનાસકાંઠામાં 14 તાલુકા હતા, પરંતુ હવે તેમાં 10 તાલુકાઓ રહેશે. બનાસકાંઠાનું વડુંમથક જે પહેલા હતું એ પાલનપુર જ રહેશે. બનાસકાંઠામાં તાલુકાની વાત કરવામાં આવે તો, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું તેમાં અનેક લોકોએ વિરોધ પણ ઉઠાવ્યો હતો.



