બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં 25,000 રિચાર્જ કૂવા બનાવાશેઃ મુખ્ય પ્રધાને અભિયાનનો કરાવ્યો શુભારંભ

બનાસકાંઠાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો હતો.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનબળ એટલે કે, જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડા પ્રધાનએ જળશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે.

વડા પ્રધાન હંમેશા કહે છે કે, પાણી એ વિકાસની પહેલી શરત છે. નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય નરેન્દ્ર મોદીએ આપણામાં કેળવ્યું છે.

આપણ વાંચો: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, કહ્યું ખેડૂતોની આત્મનિર્ભરતા વધશે

તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળસંગ્રહ, જળસંચય, ચેકડેમ-બંધારાના વિરાટ અભિયાનમાં જોડી. તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. વડા પ્રધાને આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે એમ પણ મુખ્ય પ્રધાને કહ્યુ હતું.

સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડા પ્રધાને ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે.

બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્ય પ્રધાને શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણ વાંચો: રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે.

ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ.

મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિક્રાંતિ કરી શકે તે માટે પણ જળસિંચન મહત્વનું અંગ છે. પ્રાકૃતિક ખેતી- સૌ સમસ્યાઓનું સમાધાન છે. રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યાં છે.

આપણે ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા રાસાયણ ખાતર મુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બન્નેનું સ્વાસ્થ્ય બગડે છે. આજે નાની વયે બી.પી, સુગર, હાર્ટઅટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.વડા પ્રધાને આ સ્થિતિ સુધારવા માટે ‘બેક ટુ બેઝિક’ નો મંત્ર આપ્યો છે.

આપણ વાંચો: શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી

કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશમાં ૧૮% પશુઓ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે. આ પશુ તેમજ જીવન સૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ૪% પીવાનું પાણી ઉપલબ્ધ છે. દેશમાં પાણીની વાત કરીએ તો ૭૦૦ પૈકી ૧૫૦ જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં આવેલ છે.

બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં છેલ્લા ૧ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર, નર્મદા યોજના, સૌની યોજના જેવી વગેરે યોજના દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે.

ભારત દેશના પૂર્વ વડા પ્રધાન અટલજી કહેતા હતા નદીઓને જોડવી જોઈએ. અટલજીના સ્વપ્નને દેશના વડા પ્રધાન પૂર્ણ કરી રહ્યા છે. નર્મદા, સાબરમતી અને કચ્છની નદીઓ સાથે જોડાણ માટે કામ થઈ રહ્યું છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ત્રણ નદીઓને જોડવા માટે ૭૭ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાનેએ જોયેલ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ડેમ બનાવવા કરતા “કેચ ધ રેઇન” અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની તાકીદ છે.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીથી ઝઝૂમતા દેશના ડાર્ક ઝોનમાં આવેલા જિલ્લાઓને બહાર લાવવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી પહેલા પસંદગી કરવામાં આવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે.

બનાસ ડેરી જિલ્લામાં ૨૫ હજાર રિચાર્જ કુવા બનાવશે. જેમાં ૫૦ ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. ધરતીમાં વધુમાં પાણી ઉતારી શકાય તે માટે આપણે સૌકોઈ પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, આગામી ૪ વર્ષ આ અભિયાન ચલાવીએ તથા આગામી ૧૦ વર્ષનું આયોજન કરીએ તે મુજબ કામ કરવા જણાવ્યું હતું. બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી દ્વારા પર્વતો પર સિડ બોલ ફેંકીને પર્વતોને હરિયાળા બનાવવા માટે કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button