ઠાકોર સમાજનું ઐતિહાસિક પગલું: બનાસકાંઠાના ઓગડધામમાં નવું સામાજિક બંધારણ જાહેર…

અલ્પેશ ઠાકોર અને ગેનીબેન સહિતના દિગ્ગજો એકમંચ પર: લગ્ન-પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને વ્યસન મુક્તિ પર મૂકાયો ભાર…
દિયોદરઃ ગુજરાતમાં બ્રાહ્મણ સમાજ ચર્ચામાં રહ્યા પછી હવે ઠાકોર સમાજ લાઈમલાઈટમાં આવ્યો છે. ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એકમંચ પર આવીને સમાજ માટે નવું બંધારણ લાવીને સૌને આશ્ચર્યમાં મૂક્યા છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજ ફરી એક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પવિત્ર ઓગડધામ ખાતે ઠાકોર સમાજ માટે મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન દરમિયાન સમાજ માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ માટે બંધારણ ઘડવામાં આવ્યું અને 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યાં છે, જેની આજથી જ પાલન કરવા માટે મંચ પરથી કહેવામાં આવ્યું છે.
આ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર, જગદીશ ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યાં હતાં. આ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ઠાકોર સમાજના નેતાઓએ રાજનીતિને બાજુમાં મુકીને સમાજ માટે એક મંચ પર આવવાનું અને સમાજને આગળ લઈ જવાનું પસંદ કર્યું છે. જેથી આ નેતાઓની સમાજમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
પક્ષ અને વિપક્ષના નેતાઓ સમાજ માટે એક મંચ પર
આ તમામ નિયમો આજે ઠાકોર સમાજ દ્વારા બનવાવમાં આવ્યાં છે. પરંતુ જો કોઈ વ્યક્તિ આ નિમયો કે બંધારણનો ભંગ કરે તો તેની સામે શું કાર્યવાહી કરવી તેના વિશે કઈ કહેવામાં આવ્યું છે. નથી પરંતુ પક્ષ અને વિપક્ષના નેતાઓ સમાજ માટે આજે એક મંચ પર જોવા મળ્યાં હતાં. આજે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે જાહેર મંચ પરથી એ દેખાડ્યું કે પક્ષ ભલે ગમે તે હોય પરંતુ સમાજ માટે સૌથી સરખા છે અને એકસાથે છે.

16 મુદ્દા સાથેનું ઠાકોર સમાજનું નવું સામાજિક બંધારણ
- સગાઈ પ્રસંગ
→ સગાઈમાં પુરૂષ અને મહિલા મળી 21 વ્યકિતએ જવું તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં.
→ સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહી.
→ સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓટમણાં પ્રયા બંધ કરવામાં આવે છે.
→ સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે એક જોડી કપડાં લઈ જવા.
→ જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા) જવાની પ્રથા હોય તો બંધ કરવી. - લગ્નની તારીખો નક્કી કરવા બાબત
→ વર્ષમાં બે માસમાં જ લગ્ન કરવા
→ વૈશાખ સુદ એકમથી પુનમ સુધી
→ મહા સુદ એકમથી પુનમ સુધી
→ ખાસ સંજોગોમાં અરજન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને કરવાના રહેશે અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહી. - લગ્ન લખવાના પ્રસંગ
→ લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
→ સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે .
→ લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી સાદું કાર્ડ રાખવુ હોય તો રાખી શકાશે
→ મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે.
→ સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી. - જાન લઈ જવાના પ્રસંગ
→ જાનમાં સનરુફ ગાડી લઈ જવી નહી.
→ જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહી અને જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહી.
→ જાનમાં મહિલા અને પુરૂષો મળી વધુમાં વધુ 100 વ્યકિતઓ જઈ શકાશે.
→ 10 વર્ષથી ઉપરની ઉંમર વ્યકિતમાં ગણાશે.
→ જાનનો વરઘોડો-મામેરૂ કે જાનમાં ડીજે લઈ જવું નહી.
→ જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જઈ શકાશે.
→ જાનમાં શરણાઈ વગાડી શકાશે. - સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ)
→ બુટી, મંગળસુત્ર, પગની ઝાંઝરી, અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી.
→ લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહી. - જમણવારનો પ્રસંગ
→ જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી/રોટલા/પુરી અને છાશ રાખી શકાશે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી. - મામેરાનો પ્રસંગ
→ મામેરામાં મહિલા અને પુરૂષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જઈ શકાશે.
→ મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જઈ શકાશે.
→ મામેરામાં કપડાની ઓટામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.
→ મામેરામાં ઓછામાં ઓછા 11 હજાર અને વધુમાં વધુ 1,51,000 આપવા અને મામેરૂ રોકડમાં ભરવાનું રહશે.
→ મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહી. - પુરગત મુકવાનો પ્રસંગ
→ પુરગતમાં વાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે.
→ ભેટ (ગિફટ) કે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
→ બંધારણને ફોટાથી મઢાવીને (લેમીનેશન) વાળી એક કોપી ભેટમાં આપવી તેનાથી બંધારણ મજબુત થશે. - આંણાનો પ્રસંગ
→ કન્યાને તેડવા જવાનો (આંણું મુકવાનો) રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે.
→ કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યકિત આવીને તેના પીયરમાં મુકી જવાની રહેશે. - બોલામણા પ્રથા
→ બીમારી પ્રસંગે રાવણાં અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે. - ઢૂંઢ – જન્મદિવસ પ્રસંગ
→ ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી.
→ જન્મદિવસની બર્થ-ર્ડ પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહી.
→ જન્મદિવસની ખુશી પેટે જેતે વ્યક્તિએ નજીકની સમાજની લાઈબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકાશે - છૂટાછેડા બાબત
→ સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા-દીકરીને સામ સામે જોયા પછી સગું નકકી કરવું તેમ છતાંબંને પક્ષોએ કોઈપણ પ્રકારના મતભેદ ઊભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો
→ ગુણદોપના આધારે નીચે પ્રમાણેનો વહેવાર કરવાનો રહેશે.
(૧) સગાઈ રૂપિયા 51,000 એમાંથી 50 ટકા રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે.
(૨) લગ્ન કર્યા પછી રૂપિયા બે લાખ તેમાંથી 50 ટકા રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે.
(૩) લગ્ન પછી સંતાન હોય તો રૂપિયા ત્રણ લાખ અને આ રકમ 100 ટકા પુરેપુરી બેંકમાં એફ ડી (ફિક્સ ડિપોઝિટ) સંતાન દીકરા કે દીકરીના નામે કરવાની રહેશે. - મૈત્રી કરાર
→ મૈત્રી કરાર તેમ જ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવું નહી. - અન્ય બાબતો
→ સમાજના કોઈ પણ સારા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તું એટલે કે બીડી-અફીણ ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.
→ લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથી, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઈબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે. - મરણ પ્રસંગ
→ મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈપણ વસ્તુ વાપરી શકાશે નહ બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો - ખાસ વિનંતી
→ દરેક ગામમાં કુટુંબ પ્રમાણે વ્યકિતઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી.
→ દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી જેથી કરીને બંધારણન, મુદાઓનો અમલ કરાવી શકાય, સમિતીની સભ્ય સંખ્યા 21 કે 31 રાખવી.
→ સમાજ વ્યસનમુકત બને અને શિક્ષણયુકત બને તેમજ જન જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતીઓએ કરવા.
આ પણ વાંચો…ગુજરાતમાં નલ સે જલ યોજનાની શું છે સ્થિતિ? ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં શું બહાર આવી વિગત



