બનાસકાંઠા

ડ્રગ્સ મુદ્દે ધારાસભ્ય મેવાણીએ DYCM હર્ષ સંઘવીને લીધા આડેહાથ: ડિબેટ માટે કરી ચેલેન્જ

બનાસકાંઠા: પાલનપુરમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને ખુલ્લેઆમ ડિબેટ કરવાનો ચેલેન્જ ફેંક્યો હતો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા સમારોહમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં આવ્યા પણ તેમણે દારૂ-ડ્રગ્સ બંધ કરાવવાનું વચન ન આપ્યું. હું તેમને મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું અને જો એમની મારી સાથે ડિબેટ કરવાની કેપેસીટી ન હોય તો મારા પટાવાળા કે ડ્રાઇવર સાથે પણ કરી શકે છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સની બદી ચરમસીમાએ પહોંચી છે. બે દિવસ પૂર્વે નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન સંઘવી મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં આવ્યા હતા, પરંતુ તેમણે જુગારધામ, કુટણખાના, દારૂ કે ડ્રગ્સનો વેપાર બંધ કરાવવા અંગે કોઈ વચન આપ્યું ન હતું.

આ પણ વાંચો: મેવાણીની સંઘવીને સલાહ; લોકોને પૂછો કે દારૂના અડ્ડાના હપ્તા ગાંધીનગર કોને પહોંચતાં હતા!

ધારાસભ્ય મેવાણીએ ગૃહપ્રધાન સંઘવીને જાહેરમાં ડિબેટ કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે જો સંઘવીમાં તેમની સાથે ડિબેટ કરવાની ક્ષમતા ન હોય તો તેમના પટાવાળા, ડ્રાઈવર કે પીએ સાથે ડિબેટ કરે. મેવાણીએ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનના વિધાનસભા વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ તે અંગે સ્પષ્ટતા કરવા પણ માંગ કરી હતી.

પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા મેવાણીએ કહ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાઓ કોન્સ્ટેબલ પાસે પોતાના જૂતાની પોલિશ કરાવે છે, જે એક ગંદકી છે અને તેને તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે ડ્રગ્સ ગુજરાતની ભાવી પેઢીને ચકનાચૂર કરી નાખશે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ મુદ્દે મેવાણી આક્રમક, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માગ

મેવાણીએ ગુજરાતની જનતા વતી સવાલ કર્યો હતો કે, કયો મંત્રી ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે જે પણ મંત્રી દારૂના અડ્ડા, જુગારધામ કે ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે તે ગુજરાત અને દેશનો ગદ્દાર છે. અંતે, જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે હું જેને પકડું છું તેને છોડતો નથી. તેમણે ડ્રગ્સ બંધ કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button