
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છ દિવસ પહેલા થયેલા ભારે વરસાદે મોટા પાયે વિનાશ વેર્યો છે. આ વરસાદના કારણે ખાસ કરીને વાવ તાલુકાના ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જેના લીધે લોકોનું જનજીવન અસ્તવ્યત થઈ ગયું છે. ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.આ આફતે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે.
છ દિવસ પહેલા બનાસકાંઠામાં 24 કલાકમાં 19 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાવ તાલુકાના અનેક ગામો પાણીમાં ડૂબી ગયા. ગામોમાં રસ્તાઓ બંધ થઈ ગયા, અને ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા. આજે પણ ઘણા ગામોમાં પાણી ઓસર્યું નથી.
જેના લીધે લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ભરાયેલું છે. આ પરિસ્થિતિએ ખેડૂતોના ઉભા પાકને નષ્ટ કરી દીધા, અને જનજીવન પર ગંભીર અસર પડી છે.
ખેડૂતો અને પશુઓનું નુકસાન
વાવ તાલુકાના ગામોમાં ભરાયેલા પાણીએ ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જીરાના પાકની તૈયારી બોળીઓ પાણીમાં પલળી ગઈ, અને લણણી ન થયેલા પાકનો પાણીમાં ગરકાવ થયો છે. તો આ બાજું પશુ પાલન સાથે જોડાયેલા લોકોને પણ ભારે વરસાદની માઠી અસર વર્તાઈ છે.
સ્થાનિકો પ્રમાણે અત્યારે સુધી નાના બળદ અને ગાય જેવા 10 પશુઓના મૃત્યુ થયા છે. જોકે પશુઓના મોતનો સાચો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે. ખેડૂતોની ચિંતા એ છે કે જો પાણી ઝડપથી ઓસરે નહીં, તો શિયાળુ પાકની સિઝન પણ જોખમમાં મુકાઈ શકે છે.
લોદ્રાણી ગામની દયનીય સ્થિતિ
મુંબઈ સમાચારની ટીમ સાથે વાત કરતા વાવ તાલુકાના લોદ્રાણી ગામના સામાજીક કાર્યકર શ્રવણ ભાઈ જણાવે છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ઉપરવાસનું પાણી પણ અમારા ગામમાં ઘસી આવ્યું છે. જેને લઈ અમારું ગામ જળમગ્ન થઈ ગયું છે. લોકોના ઘર અને ખેતરોમાં પાણીથી તળબોર થયા છે.
લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. ગામમાં વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેના લીધે લોકો ઘઉં-બાજરી જેવી મૂળભૂત ચીજવસ્તુઓ દળી શકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારે વરસાદથી માત્ર લોદ્રાણી જ નહીં પણ વાવ તાલુકાના નળોદર, રાછેણા વરસાદ બાદ ચાર દિવસ સુધી સંપર્ક વિહોણા હતા.
સરકારી સહાયની રાહ
શ્રવણભાઈએ સરકારને અપીલ કરી કે, લોદ્રાણી અને વાવ તાલુકાના અન્ય ગામોમાં આવેલી કુદરતી આફતથી બચાવ માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે. તેમણે ખેડૂતોના નષ્ટ થયેલા પાકના વળતરની પણ માગણી કરી.
હાલમાં સરકારી સહાય ગામો સુધી પહોંચી નથી, અને વીજળી પુનઃસ્થાપિત કરવા આવેલી સરકારી ગાડી પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. આ પરિસ્થિતિએ સ્થાનિકોમાં નિરાશા ફેલાવી છે, અને તેઓ તાત્કાલિક મદદની રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાઠા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કરવાના છે. અને નુકસાનીનો તાગ મેળવી સહાયની જાહેરાત કરી શકે છે. ત્યારે વાવ તાલુકાના આ ગામોને પણ પુરતી સહાય મળી રહે તેવી આશા સેવાય રહી છે.
આ પણ વાંચો…UPDATE: પાટણની સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબ્યા, મૃત્યુઆંક વધીને પાંચ થયો