બનાસકાંઠામાં ₹ 27 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આધુનિક લાયબ્રેરી અને સ્પોર્ટ્સ હૉલનું ઉદ્ઘાટન

બનાસકાંઠા: ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂપિયા 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાયબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલનું પણ લોકાર્પણ કર્યું છે. આ વિકાસકાર્યોના કારણે યુવા વર્ગને ખૂબ જ ફાયદો થવાનો છે.
વડગામમાં 4 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી તૈયાર
ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં છે, જેથી તેમના માટે વડગામમાં 698.05 ચો.મી. જમીન પર રૂપિયા 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જેમાં એક સાથે કુલ 169 વિદ્યાર્થીઓ બેસી શકે છે. આ સાથે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20 હજાર જેટલા પુસ્તકો રાખી શકાય તેવી આધુનિક સુવિધાઓ પણ આ લાયબ્રેરીમાં છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં એશિયાના સૌથી મોટા એન્જિનિયરિંગ એક્ઝિબિશનનો પ્રારંભ: કરોડોના બિઝનેસની સંભાવના
બનાસકાંઠામાં જિલ્લામાંથી અનેક મોટા રમતવીરો પણ મળ્યા છે. આ ક્ષેત્રમાં હજી વધારે લોકો જોડાય અને તાલીમ મેળવે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે રૂપિયા 9.20 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ ઇન્ડોર હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમ જ બોર્ડ ગેમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પાલનપુરમાં 9.20 કરોડના ખર્ચે ઇન્ડોર હોલ તૈયાર
આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાથી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ મળી રહેવાની છે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબિન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ રાખવામાં આવી છે. તમામ રીતે આ સંકુલ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે.



