બનાસકાંઠા

ટ્રાફિકમાંથી મુક્તિ: પાલનપુર ફરતે 24 Km લાંબો બાયપાસ બનાવાશે, આવતીકાલે ઉદ્ઘાટન…

અમદાવાદઃ બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે ફરી એકવાર રાજ્ય સરકારે બનાસકાંઠામાં માટે મહત્વનો નિર્ણય લીધો છે. પાલનપુર એરોમા સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક રહેતું હોય છે. પાલનપુર એરોમા સર્કલના ટ્રાફિકને ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક ગણવામાં આવે છે. કલાકો સુધી લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ઇમરજન્સી જેવી સ્થિતિમાં અહીથી પસાર થવું મુશ્કેલ બની જતું હોય છે. આ સમસ્યના નિવારણ માટે રાજ્ય સરકારે અહીં 560 કરોડના ખર્ચે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે પાલનપુરની ફરતે બાયપાસ તૈયાર કરવામાં આવશે.

આવતીકાલે 24.5 કિમી લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

સીએમ ભૂપેન્દ્ર પટેલ આગામી 11 ડિસેમ્બરે પાલનપુર ખાતે રૂપિયા 560 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર 24.5 કિમી લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરવાના છે. પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો સહિત હાઇવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન છે. પાલનપુરનું એરોમા સર્કલ ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક જંકશન બન્યું હતું. જેથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, અહીં પાલનપુર ખાતે 24.5 કિમી લાંબો બાયપાસ બનાવવામાં આવશે. આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનું ખાતમુહૂર્ત કરવાના છે.

ભૂપેન્દ્ર પટેલ આ અંગે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. લખ્યું કે, બનાસકાંઠા જિલ્લાના સર્વાંગીણ વિકાસને વેગ આપતા રૂપિયા 1000 કરોડથી વધુના વિકાસ કામોનું આવતીકાલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીશ. જેમાં પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ, ઉમરદશી નદી પર નવો ફોર-લેન બ્રિજ સહિતના રોડ-રસ્તાના વિવિધ આઈકોનિક પ્રોજેક્ટ્સ નાગરિકોને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ તો આપશે જ, સાથોસાથ વેપાર-ધંધાને પણ વેગ આપશે. તેમજ, ડ્રેનેજ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સ બનાસકાંઠાની વિકાસયાત્રાને વધુ ગતિ આપશે

આ સમસ્યા માટે સ્થાનિકોએ છેક દિલ્હી સુધી રજૂઆતો કરેલી છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાને કારણે અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતોમાં થયા તેમાં અનેક લોકોના મોત પણ થયેલા છે. આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક લેવલેથી લઈ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરેલી છે. આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે તે માટે શહેરીજનો અનેક વખત પોતાના સ્તરે રજૂઆતો કરી ચૂક્યાં છે, હવે તેમની રજૂઆતોનો અંત આવી રહ્યો છે. જો અહીં બાયપાસ બનાવવામાં આવે છે તો ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ઉકેલાઈ જવાની છે. રાજ્ય સરકારે પાલનપુરની ફરતે બાયપાસના નિર્માણનો નિર્ણય કર્યો તેના કારણે સ્થાનિકોમાં ખુશ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button