બનાસકાંઠા

ઘોર કળિયુગઃ પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈને પતાવી નાખ્યો…

બનાસકાંઠાઃ જિલ્લાના ડિસામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડિસામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મળતી વિગત પ્રમાણે સાટા પદ્ધતિથી બહેન નારાજ હતી અને અન્ય યુવકના પ્રેમમાં હતી. જ્યારે ભાઈની હત્યા કરવાથી સાટા પદ્ધતિ અનુસાર લગ્ન તૂટી શકે તેમ હતા. તેથી બહેને પ્રેમી અને અન્ય એક યુવકની મદદથી પિતરાઈ ભાઈની હત્યા કરી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે પિતરાઈ બહેન અને પ્રેમી સહિત કુલ ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શું છે મામલો
બનાસકાંઠાના ડિસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ પટેલ અને પિતરાઈ બહેનના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. જોકે, પિતરાઈ બહેનને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે સાટા પદ્ધતિથી કરાયેલા લગ્નથી નારાજ હતી. 10 મેના રોજ મૃતક ગણેશભાઈ ખેતરમાં સૂતા હતા, ત્યારે પિતરાઈ બહેને તેના પ્રેમી તથા અન્ય એક શખ્સ સાથે મળીને પિતરાઈ ભાઈને કુહાડી અને તલવારના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થવાથી પિતરાઈ ભાઈનું મોત થયું હતું. પિતરાઈ ભાઈ તરફડીયા મારીને મર્યો નહીં ત્યાં સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા હતા.

કેવી રીતે થયો ખુલાસો
સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પિતરાઈ બહેન પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જોકે તેના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. આમ સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાથી જો પિતરાઈ ભાઈનું મોત નીપજવામાં આવે તો તેના લગ્ન તૂટી શકે તેવી માનસિકતા રાખીને તેણે પ્રેમી અને અન્ય એક યુવક સાથે મળીને પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના બનાવીને લઈને પોલીસે પિતરાઈ બહેન, પ્રેમી અને અન્ય એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પિતરાઈ બહેને કરેલા આવા કૃત્યથી પરિવારજનોએ પણ તેના પર ફીટકાર વરસાવ્યો હતો.

આપણ વાંચો : બનાસકાંઠાઃ કાંકરેજના ઉંબરી ગામમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકો વીજ કરંટથી મોત, ગામમાં શોકનો માહોલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button