ડીસા બ્લાસ્ટની ઘટનાનાં 18 મૃતકોનાં થયા અંતિમ સંસ્કાર; કોંગ્રેસના ત્રણ નેતાઓનાં ઉપવાસ

ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ ગયા હતા. આ દુર્ઘટનાનાં સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. મધ્યપ્રદેશના શ્રમિકોનાં થયેલા મોત થયા હતા જેના આજે નર્મદાનાં કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે હવે આ મામલે કોંગ્રેસનાં ત્રણ નેતાઓએ ઉપવાસ શરૂ કર્યા છે.
તમામ શ્રમિકોનાં અંતિમ સંસ્કારો
ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ ગયા હતા. જેમાંથી મધ્ય પ્રદેશના 18 શ્રમિકોનાં મોત થયા હતા. શ્રમિકોના મૃતદેહ તેમના વતન પહોંચાડ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તમામ મૃતકોના એક જ જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઈ હતી.
કોંગ્રેસનાં ત્રણ નેતાઓ ઉપવાસ પર
પ્રાપ્ત વિગતો અનુસાર ડીસામાં થયેલા દુર્ઘટનામાં થઈ રહેલી સરકાર અને પોલીસની કામગીરીથી અસંતુષ્ટ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય કાંતિ ખરાડી, ધારાસભ્ય અમૃત ઠાકોર અને સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ આ દુર્ઘટનાનાં મૃતકોના પરિવારજનોને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારોની કોઇપણ માંગણી સ્વીકારવામાં ન આવી હોવાના આરોપ સાથે જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઇ અને પાલ આંબલીયા ગઇકાલથી ઉપવાસ પર ઉતર્યા છે.
આ પણ વાંચો : ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા
SITની રચના
આ બનાવ અંગે IAS અધિકારી ભાવિન પંડ્યાના નેતૃત્વ હેઠળની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જે હવે આ સમગ્ર ઘટનાક્રમમાં તમામ પક્ષે રહેલી ખામીઓની તપાસ કરશે. ટીમમાં DSP વિશાલકુમાર વાઘેલા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચ પી સિંઘવી અને ચીફ એન્જિનિયર જે. એ. ગાંધીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક ભયાનક દુર્ઘટના; ડીસા બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અને આપએ રાજ્ય સરકારને ઘેરી…
21 દિવસથી પડી રહી હતી ફાઇલ
પરમિટ વગર જ ગોડાઉનમાં ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હોય અને આ ગોડાઉનની જોખમી સ્થિતિ હોય તે અંગે સ્થાનિક પોલીસે 12મી માર્ચે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-SDMને એક અહેવાલ સોંપ્યો હતો અને તેમાં તાત્કાલિક અસરથી ગોડાઉન બંધ કરવા ભલામણ કરવામાં આવી હતી. જો કે આ અહેવાલને પ્રાંત અધિકારી નેહા પંચાલે અવગણ્યો હતો અને છેક 1 એપ્રિલ સુધી આ અંગે કોઇ નિર્ણય જ નહોતો લીધો. અને અંતે 1 એપ્રિલનાં રોજ બપોરે આ દુખદ ઘટના સર્જાય હતી જેમાં 21 લોકોનાં જીવ હોમાયા હતા.