આઝાદીના 78 વર્ષ બાદ ગુજરાતના આ ગામના દલિતોને મળી આઝાદીઃ પહેલીવાર વાળ કપાવ્યા

બનાસકાંઠા: ભારતની આઝાદી સાથે ભારતના બંધારણના અનુચ્છેદ 17 હેઠળ દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. પરંતુ આઝાદીના 79માં વર્ષે પણ દેશમાં કેટલીક જગ્યાએ દલિતો, આદિવાસીઓ સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે.
પરંતુ બનાસકાંઠાના એક ગામમાં આઝાદીના 78માં વર્ષે નાઈ દ્વારા દલિતો સાથે રાખવામાં આવતી આભડછેટ દૂર કરવામાં આવી છે. આવું પરિવર્તન કેવી રીતે આવ્યું? તેની પાછળની વાત જાણવા જેવી છે.
આપણ વાંચો: “દલિતો મરે તો ભલે મરે, અમને કોઈ ફરક નથી પડતો” ગુજરાત સરકાર પર જીગ્નેશ મેવાણીના આકરા પ્રહાર
દલિતોના વાળ કાપવા પર હતો પ્રતિબંધ
બનાસકાંઠાના આલવાડા ગામમાં 6500 લોકોની વસ્તી છે. જે પૈકીના 250 દલિતો છે. ગામના નાઈ લોકો જાતીય પૂર્વગ્રહને કારણે દલિતોના વાળ કાપતા ન હતા.
ગામમાં આ પ્રથા આઝાદી પહેલાથી ચાલી આવતી હતી અને આઝાદી બાદ પણ યથાવત હતી. જેથી આલવાડા ગામના દલિતો બાજુના ગામોમાં વાળ કપાવવા જવા માટે મજબૂર થતા હતા. ઘણીવાર તેઓને પોતાની ઓળખ પણ છૂપાવવી પડતી હતી. પરંતુ આઝાદીના 78માં વર્ષે આ ગામમાં પરિવર્તન આવ્યું છે.
આપણ વાંચો: ‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
અનેક મહિનાઓની વાતચીત બાદ ગામના વડીલોએ આ અલેખિત પ્રતિબંધને હટાવ્યો છે. 7 ઓગસ્ટના રોજ આલવાડા ગામના પિન્ટુ નાઈની દુકાને 24 વર્ષીય દલિત યુવાન કીર્તિ ચૌહાણે પહેલી વખત પોતાના વાળ કપાવ્યા છે. કીર્તિ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે, “મારા જીવનના 24 વર્ષમાં પહેલી વાર મને ગામમાં આઝાદીનો અનુભવ થયો છે.
” જેની સાથે ગામની આ કૂપ્રથાનો અંત આવ્યો છે. ગામના નાઈઓએ દલિતો માટે પોતાની દુકાનના દ્વાર ખોલી નાખ્યા છે. ગામના 58 વર્ષીય દલિત વડીલ છોગાજી ચૌહાણે જણાવ્યું કે, “અમે વાળ કપાવવા માટે અનેક માઈલ સુધી પગપાળા જતા હતા. મારા પિતાપણ આઝાદી પહેલા આ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. મારા બાળકોને પણ આ બધુ સહન કરવું પડ્યું. આજે નાઈ દરેક ગ્રાહકોનું સ્વાગત કરે છે.”
આપણ વાંચો: કોંગ્રેસે દલિતો અને પછાત વર્ગોનો ભરોસો તોડ્યો; કોંગ્રેસની ભૂલો વિશે બોલ્યા રાહુલ ગાંધી?
વહીવટીતંત્રના પ્રયાસોથી કૂપ્રથાનો આવ્યો અંત
આલવાડા ગામના સરપંચ સુરેશ ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, એક સરપંચ તરીકે મને આ પ્રથાને લઈને અપરાધબોધ થતો હતો. આજે મને ગર્વ છે કે, મારા કાર્યકાળમાં આ પ્રથા નાબૂદ કરવામાં આવી છે.
આલવાડા ગામની આ કૂપ્રથાને નાબૂદ કરવામાં મામલતદાર જનક મહેતાએ મોટો ફાળો આપ્યો છે. જિલ્લા પ્રશાસન અને પોલિસના સતત હસ્તક્ષેપ બાદ ઉંચી જાતિના લોકો આ કૂપ્રથા નાબૂદ કરવા માટે તૈયાર થયા છે.
આલવાડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા પ્રકાશ પટેલે જણાવ્યું કે, જો મારી દુકાન પર ગ્રાહકોનું સ્વાગત છે. તો નાઈની દુકાન પર કેમ નહીં? મને ખુશી છે કે આ કૂપ્રથા સમાપ્ત થઈ ગઈ છે.
આ કૂપ્રથા સમાપ્ત થવાના આનંદ સાથે ગામના દલિત ખેડૂત ઈશ્વર ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, ગ્રામજનોમાં દલિતો પ્રત્યે પૂર્વગ્રહ હજુ પણ યથાવત છે. આજે પણ અને સામુહિક ભોજનના કાર્યક્રમમાં અલગ બેસાડવામાં આવે છે.આમાં પણ પરિવર્તન આવશે.