બનાસકાંઠાના બે ભાઈઓએ ગરીબ ખેડૂતોના નામે કર્યો રૂપિયા 247 કરોડનો ફ્રોડ! જાણો શું છે આખો મામલો

બનાસકાંઠા: જિલ્લામાં એક ચોંકાવનારો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે, જેમાં ગરીબ અને ઓછા ભણેલા ખેડૂત તેમજ મજૂરોના નામે 24 બેંક ખાતા ખોલાવીને માત્ર બે વર્ષમાં 247 કરોડ રૂપિયા દુબઈ મોકલવાની વાત સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ કાવતરા પાછળ ડિપ્લોમા એન્જિનિયર બે ભાઈ મગજ હતું, જેણે ખાતઓનો મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કર્યો અને વિદેશી ઠગોને મદદ કરી હતી.
સૂત્રોની જાણકારી પ્રમાણે સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આ 24 ખાતા પર નજર રાખી અને તેમાં દરેકમાં 10થી 15 કરોડના વ્યવહારો જોઈને તપાસ શરૂ કરી હતી. જે બાદ દિલીપ અને શૈલેષ ચૌધરી નામના આ બે ભાઈઓને પકડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે આ ખાતા સામે દેશભરમાંથી લગભગ 542 ફરિયાદો નોંધાઈ છે. બંને ભાઈ પોતાનું 1 થી 3 ટકા કમિશન લઈને પૈસા ટ્રાન્સફર કરતા હતા.
બંને ભાઈઓ પૈસાની લાલચ આપીને ખેડૂતોને બેંક ખાતું ખોલાવવા તૈયાર કરતા, પછી નવા સિમ કાર્ડ ખરીદીને પોતાની પાસે રાખતા. ખાતું ખુલ્યા પછી ચેકબુક, ડેબિટ કાર્ડ અને પાસબુક પોતાની પાસે રાખી લેતા. થર્ડ પાર્ટી એસએમએસ ફોરવર્ડિંગ એપનો ઉપયોગ કરીને ઓટીપી અને મેસેજ સીધા દુબઈમાં બેઠેલા ઠગને મોકલાતા, જેથી ખાતાધારકને કંઈ ખબર ન પડે.
આ કૌભાંડમાં દુબઈમાં બેઠેલા સાગર નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જે મુખ્ય સૂત્રધાર છે. બંને ભાઈઓ ટેલિગ્રામ દ્વારા દુબઈ, ચીન, કમ્બોડિયા સહિતના દેશોમાં બેઠેલા ઠગોને 10થી 20 ટકા કમિશનમાં ખાતા ભાડે આપતા હતા. પોલીસ અધિક્ષક વિવેક ભેડાએ જણાવ્યું કે સાગરની સંપૂર્ણ માહિતી એકઠી કરીને તેને ભારત લાવવા માટે સરકારને અરજી કરવામાં આવી છે.



