‘બોલ મારી અંબે, જય જય અંબેના’ના નાદથી ગુંજી અરવલ્લીની ગિરિમાળા: ભાદરવી પૂનમનો મેળો શરૂ
પહેલા દિવસે લાખોની સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ,

અંબાજી: 51 શક્તિપીઠમાંનું એક એવું અંબાજી ધામમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થયો છે, આ મેળો 7 સપ્ટેમ્બર સુધી યોજાયો છે. આ ધાર્મિક મહોત્સવમાં મા અંબાના દર્શન માટે 30 લાખથી વધુ ભક્તોની હાજરીની અપેક્ષા સેવાઈ રહી છે. પ્રથમ દિવસે સવારથી જ મંદિર તરફ જતા માર્ગો પર શ્રદ્ધાળુઓના સંઘો જોવા મળ્યા હતા. જોકે, 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમ દિવસે ચંદ્રગ્રહણને કારણે સાંજે 5 વાગ્યા પછી દર્શન બંધ રહેશે, જેની માહિતી પણ ભક્તોને આપવામાં આવી છે.
આજના પ્રથમ દિવસે અંબાજીમાં સવારથી લઈને મધ્ય સુધીમાં અંદાજે 2 લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન માટે પહોંચ્યા હોવાનું અંદાજ લાગે છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં ભક્તોના ટોળે ટોળા વળ્યા છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડ પર પણ શ્રદ્ધાળુઓની હિલચાલ જોવા મળી રહી છે. ગુજરાત અને રાજસ્થાનથી આવેલા યાત્રાળુઓ પદયાત્રા કરીને મંદિર સુધી પહોંચી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી ગીરી આજથી લઈ સાત દિવસ સુધી બોલ મારી જય જય અંબાના નાથી ગુજશે.
દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા રહેશે
ભક્તોને સરળતાથી દર્શન કરાવવા માટે મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વિશેષ પ્રયાસો કરાયા છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગની વ્યવસ્થા સાથે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દંડવત પ્રણામ કરનાર, દિવ્યાંગ, વૃદ્ધ યાત્રાળુઓ માટે વિશેષ રૂટ અને વ્હીલચેર-ઈ-રીક્ષાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મંદિરની બહાર નીકળવા માટે શક્તિદ્વાર, હવન શાળા અને ભૈરવજી મંદિર તરફના ગેટો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
લાઈટ શોનું સૌથી મોટું આકર્ષણ રહેશે
આ વખતે મહામેળાનું મુખ્ય આકર્ષણ 400 ડ્રોનથી શણાવવામાં આવેલો લાઈટ શો છે, જે 3 અને 4 સપ્ટેમ્બરની રાત્રે 8.30 વાગ્યે યોજાશે. આ શોમાં માતાજીના મંદિરની છબિ અને શક્તિના પ્રતીકો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, પાર્કિંગ માટે 1.83 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 35 સ્થળો બનાવાયા છે, જેમાં 22,541થી વધુ વાહનો જગ્યા છે. શ્રદ્ધાળુઓ ‘Show My Parking’ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકે છે, અને મંદિર ટ્રસ્ટ દ્વારા મીની બસ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સુરક્ષા માટે પાંચ હજાર જવાન તહેનાત
મહામેળામાં 30 લાખથી વધુ પ્રસાદ પેકેટ વિતરણ માટે 28 કેન્દ્રો ઊભા કરાયા છે, જે 750 કારીગરો દ્વારા 1000-1200 ઘાણ પ્રસાદ તૈયાર કરશે. દરેક ઘાણમાં 326.7 કિલો પ્રસાદ બનશે, અને ચાર સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે 5000 જવાનો અને 332થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. દર્શનનો સમય સવારે 6થી 11.30, બપોરે 12.30થી સાંજે 5 સુધી રાખવામાં આવ્યો છે, જ્યારે રાત્રે 12થી સવારે 6 સુધી દર્શન બંધ રહેશે.