બનાસકાંઠા

ડીસા બ્લાસ્ટ કેસમાં વધુ એક મોતઃ ફેક્ટરી માલિકનું ભાજપ કનેક્શન બહાર આવ્યું…

અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે દાઝી ગયા હતા. આ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાથી કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે. જ્યારે ડીએનએ રિપોર્ટ બાદ 2 મૃતદેહની ઓળખ થઈ હતી. મૃતકો અને ઘાયલો સહિત આ તમામ લોકો મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા.

મળતી વિગતો મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજમીનું મોત થતાં મૃત્યઆંક 22 પર પહોંચ્યો છે. આ દુર્ઘટનો ભોગ બનેલા 19 લોકોના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે ડીસા સિવિલમાં રખાયેલા બે મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતકો લક્ષ્મી અને સંજય નામ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ તેમના વતનના ગામ મોકલી અપાયો હતો.

ફેક્ટરીનો માલિક ભાજપનો પદાધિકારી

ડીસામાં ગેરકાયદે કારોબાર ચલાવતા ફેક્ટરીના માલિક દીપક સિંધીનું ભાજપ સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. દીપક સિંધી ઉર્ફે દીપક મોહનાની ઉર્ફે દીપક મુલાણી ડીસા શહેર યુવા ભાજપમાં મંત્રી છે અને ભૂતકાળમાં ઉપપ્રમુખ હતો. ડીસામાં ભાજપના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતા દીપકને ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો હતા.

આ પણ વાંચો: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા

વળી, દીપક સિંધી પોતાના ફટાકટા વેચવા માટે નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરતો હતો. દીપકની કંપની દીપક ટ્રેડર્સ દ્વારા ફટાડકાના પેકેટ પર મોદીનો ફોટો લગાવીને મોદી બ્રાન્ડના ફટાકડા બજારમાં વેચવામાં આવતા હતા. ફેક્ટરીમાં વિસ્ફોટ પછી પોલીસને બાજુમાં આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાના પેકિંગ માટેનાં રેપર મળ્યાં હતા. આ રેપર પર મોદીના ફોટા સાથે મોદી બ્રાન્ડનો ઉલ્લેખ છે, તેમ અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button