નકલી ઘીનો પર્દાફાશઃ બનાસકાંઠાના ડીસામાંથી 500 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો…

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી ફરી એકવાર નકલી ઘીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હોવાની માહિતી મળી છે. બનાસકાંઠા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ફેક્ટરીમાંથી 500 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળતા રેડ પાડવામાં આવી
ઘણા સમયથી ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ ફેક્ટરીમાં ફૂડ સેફ્ટીના નિયમોની ધજાગરા ઉડાવીને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હતાં. એસઓજીની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર દરોડા પાડીને નકલી ઘી કાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ફેક્ટરીમાંથી અંદાજિત 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજીએ શંકાસ્પદ ઘી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પહેલા ડીસામાંથી 1500 કિલો ઘીનો જથ્થો ઝડપાયો હતો
આ પહેલા પણ ડીસામાં ઘીની 2 પેઢીઓમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું હતી. તે બંને પેઢીઓમાંથી 8.89 લાખની કિંમતના 1500 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે કેસ નોંધાયા હતા. ફૂડ વિભાગે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન ડીસા આસપાસના વિસ્તારોમાં થતું હોવાના સમાચાર વારંવાર પ્રકાશમાં આવતા રહે છે.



