બનાસકાંઠા

બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ, 6 તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ગત રાત્રે પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. આજે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાત્રે આવેલા ધોધમાર વરસાદના કારણે પાલનપુર, દાંતીવાડા, વડગામ, ડીસા અને ધાનેરામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. મોટા ભાગના વિસ્તારો વરસાદથી પ્રભાવિત હોવાના કારણે બનાસકાંઠામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા આદેશ

બનાસકાંઠા માહિતી વિભાગે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે તારીખ 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના કલેકટર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ બોલાવવા જોખમી પણ સાબિત થઈ શકે છે.

આજે પણ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

પાલનપુરમાં કાલે રાત્રે અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સાથે સાથે અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ગત રાત્રે વરસાદ થયો અને આજે પણ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ધાનેરામાં આવેલા રેલ નદીમાં પણ આજે પાણી આવ્યું છે.

આ પણ વાંચો…ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ? આ રહ્યા છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button