બનાસકાંઠા

બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ’ના કેસમાં તમામ 9 આરોપીઓને આજીવન કારાવાસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસા સેશન્સ કોર્ટે ‘ઓનર કિલિંગ’ મામલે આકરૂ વલણ દાખવી યુવાનની હત્યાના તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે તેમને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. આશરે એક વર્ષ પહેલાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના યુવક મહેશ સાબાજી ઠાકોરે પોતાની પસંદગીની યુવતી હેતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન યુવતીના પરિવારજનો અને જ્ઞાતિના કેટલાક લોકોને મંજૂર નહોતા. પોતાની કથિત સામાજિક આબરૂ અને મર્યાદાના નામે ઉશ્કેરાયેલા 9 શખ્સોએ આ યુવાનને નિશાન બનાવી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી.

ઉશ્કેરાયેલા 9 શખ્સોએ કરી હતી યુવકની હત્યા

આ હત્યાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવ્યો હતો અને સામાજિક સ્તરે વ્યક્તિગત સ્વતંત્રતા પરના પ્રહાર તરીકે જોવામાં આવી હતી. ઘટના બાદ દાંતીવાડા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તમામ નવ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરવામાં આવી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓની મજબૂત જુબાનીઓને આધારે આરોપીઓનો ગુનો સાબિત થયો હતો.

‘ઓનર કિલિંગ’ જેવા ગુનાઓ સભ્ય અને આધુનિક સમાજ માટે કલંક

ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે અત્યંત ગંભીર ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે. ‘ઓનર કિલિંગ’ જેવા ગુનાઓ સભ્ય અને આધુનિક સમાજ માટે કલંક સમાન છે. આવી માનસિકતા સામાજિક વ્યવસ્થા માટે અત્યંત ઘાતક છે અને તેને કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. સમાજમાં દાખલો બેસે તે હેતુથી કોર્ટે તમામ 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button