બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું: ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં, શંકર ચૌધરી બિનહરીફ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની ડિરેક્ટરની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. બનાસ ડેરીની 16 ડિરેક્ટર બેઠક માટે ભાજપના જ દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જેથી આ 16 બેઠકો માટેની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરતા સહકારી ક્ષેત્રમાં ચર્ચા તેજ થઈ હતી.
રાધનપુર બેઠક પર શંકર ચૌધરી બિનહરીફ
મહત્વની વાત તો એ છે કે, આ 16 બેઠકોમાંથી કુલ 8 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. રાધનપુર બેઠક પરથી વર્તમાન ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યાં તેઓ બિનહરીફ રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉમેદવારી નોંધાવાના અંતિમ દિવસ સુધી અનેક ભાજપના જાણીતા ચહેરાઓએ ઉમેદવારી નોંધાવી હતી.
કઈ બેઠક પરથી કોણે ફોર્મ ભર્યું?
ઉમેદવારી ફોર્મની વાત કરવામાં આવે તો, પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે ધાનેરાથી, પૂર્વ સાંસદ પરબત પટેલે તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી હરિ ચૌધરીએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ડેરીના વાઈસ ચેરમેન ભાવા રબારીઓએ અમીરગઢમાંથી અને ભૂતપૂર્વ ચેરમેન અણદા પટેલે કાંકરેજથી મેદાનમાં ઉતર્યા છે. વડગામ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ સામે એટલે કે દિનેશ ભટોળ સામે કે. પી. ચૌધરી ટક્કર ઉમેદવારી નોંધાવી છે.
30 સપ્ટેમ્બરે અંતિમયાદી જાહેર કરવામાં આવશે
વધુ વિગતે વાત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણીમાં 23 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે, 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે, જ્યારે 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે અને 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં 10 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 11 ઓક્ટોબરે મતગણતરી થશે. આ ચૂંટણી માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. કેટલીક જગ્યાએ તો ભાજપ પાસે ભાજપના જે ઉમેદવારે ફોર્મ ભર્યું છે.