દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠાની છાપરા પંચાયતનો મહત્ત્વનો નિર્ણય: દારૂડિયાઓનો કરશે બહિષ્કાર!

બનાસકાંઠા: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દારુ પીવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લાના રહેવાસીઓનું ધ્યાન ખેંચાયું છે. આ નિર્ણય દારુબંધીને વધુ અસરકારક અને યુવાનોને નશાથી બચાવવાનો છે.
પંચાયત કરશે વ્યક્તિનો બહિષ્કાર
જ્યાં સુધી કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી સમાજમાંથી નશાનું દૂષણ દૂર થશે નહીં. આ ઉદ્દેશ સાથે પાલનપુરની છાપરા ગ્રામ પંચાયત દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છાપરા ગ્રામ પંચાયત દ્વારા દારૂનું સેવન અથવા અન્ય કોઈ પ્રકારનો નશો કરનાર વ્યક્તિનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બહિષ્કાર હેઠળ દોષી વ્યક્તિની વીજળી, પાણી, રાશન જેવી સેવાઓ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય તેને પંચાયતમાંથી અપાતા જરૂરી પ્રમાણપત્રો, સરકારી યોજનાઓના લાભોથી પણ વંચિત રાખવામાં આવશે. ઉપરોક્ત નિયમ દારૂનું વેચાણ કરનારને પણ લાગુ પડશે.
આપણ વાચો: ધોલેરામાં દેશી દારુ પીવાથી બેનાં મોતઃ એફએસએલના રિપોર્ટમાં થયો નવો ખુલાસો
નશાના કારણે ગામમાં અરાજકતા ફેલાઈ
મીડિયા સાથે વાત કરતા છાપરા ગ્રામ પંચાયતના લોકોએ જણાવ્યું હતું કે, યુવાનો નશાના રવાડે ચડી ગયા છે. દારૂના દૂષણને કારણે અનેક પરિવારો પડી ભાંગ્યા છે. ઘણી મહિલાઓ વિધવા અને બાળકો અનાથ બન્યા છે, એક બનાવમાં તો 32 વર્ષના યુવકનું દારુના કારણે મોત થયું હતું, જેથી દારૂ અને નશા જેવા વ્યસનોના વધતા ચલણને લઈને ગામમાં અરાજકતા ફેલાઈ છે.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે પંચાયત દ્વારા દારૂબંધીને લઈને લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ અસરકારક પરિણામ મળ્યું નથી. દારૂ વેચવાનાર અને દારૂ પીનાર બંધ થયા નહોતા, તેથી હવે અમારી પંચાયત દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જે સરાહનીય છે.



