બનાસકાંઠાના પેપળું ગામે સાચવી રાખી વર્ષો જૂની પરંપરા, ચાલો જાણીએ મંદિર અને મેળાનો ઇતિહાસ...
બનાસકાંઠા

બનાસકાંઠાના પેપળું ગામે સાચવી રાખી વર્ષો જૂની પરંપરા, ચાલો જાણીએ મંદિર અને મેળાનો ઇતિહાસ…

બનાસકાંઠાઃ આજે ભાઈબીજનો દિવસ છે. ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરતી હોય છે. બનાસકાંઠા (હાલઃ વાવ-થરાદ) જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પેપળું ગામની કહાણી પણ ભાઈ અને બહેનની સંબંધની એક અનોખી કહાણી છે. આ પેપળું ગામે 750 કરતા વધુ વર્ષ જૂની પરંપરા અત્યારે પણ સાચવી રાખી છે. આ ગામમાં દર વર્ષે 36 કલાકનો (બે દિવસ અને એક રાત) મેળો ભરાય છે. તો ચાલો તેના વિસ્તૃત જાણકારી મેળવીએ…

નિ:સંકોચપણે સચવાઈ રહી છે વર્ષો જૂની પરંપરા

પેપળું ગામમાં શ્રી નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે. આ ગામના લોકોની નકળંગ ભગવાનમાં એક અનોખી આસ્થા છે. આ એજ મંદિર છે જેના કારણે વર્ષો જૂની પરંપરા આજે પણ નિ:સંકોચપણે સચવાઈ રહી છે. બહેનને આપેલા વચનને નિભાવવા માટે આજે પણ નેસડા અને મુડેઠા ગામના લોકો દર વર્ષે ભાઈબીજના દિવસે પેપળું ગામમાં ચુંદડી લઈ ચોથબાને ઓઢાડવા માટે આવતા હોય છે.

બેસતું વર્ષ એટલે પેપળું ગામ માટે આનંદનો પર્વ

આ નકળંગ ભગવાનના મંદિરને સાત ગામોનું મઠ પણ કહેવામાં આવે છે. બેસતા વર્ષના દિવસથી લઈને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે. સમસ્ત ગામના લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવતા હોય છે. પેપળુંના આ મેળાને અશ્વમેળો પણ કહેવામાં આવે છે. બેસતા વર્ષની રાત્રિમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા અને બહેનનો કોલ નિભાવવા માટે પેપળુંમાં આવે છે. આશરે 100થી 200 ઘોડાઓ લઈને નેસડા અને મુડેઠા ગામના લોકો પેપળું ગામે આવતા હોય છે.

શું આ મંદિરની કહાણી?

આજથી 750 વર્ષો પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણનાં રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈ.સ.1300ની સાલમાં ઉપર હુમલો કર્યો હતો. લોક વાયકા પ્રમાણે તે વખતે તેમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વિરમસિહ ચૌહાણે ચોથબા એક સાધુ અચળનાથને સોંપ્યાં અને સુરક્ષિત રીતે અહીંથી લઈ જવા માટે કહ્યું હતું. રાજવીના આદેશથી આ સાધુ ચોથબાને લઈને ગુજરાતનાં બનાસકાંઠાનાં લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા ફરતા આવ્યા અને રહ્યાં હતાં. ચોથબાની લગ્નવય થતા તે સાધુએ ગામલોકોને સમગ્ર હકીકત જણાવી અને અહીંના વાધેલા વંશની રાજવી સાથે ચોથબાના લગ્ન કરવામાં આવ્યાં હતા. તે વાઘેલા પરિવારનો વંશ હજી પણ પેપળું ગામમાં રહે છે. આ વાઘેલા પરિવાર અત્યારે જ્યાં ચોથબાના લગ્ન થયાં હતા ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરાવી રહ્યાં છે.

ગામની આ પરંપરા માટે ગામલોકોને ગર્વ છે

પરંપરાની વાયકા સંભાળવી સહેલી છે, પરંતુ તેને જીવંત રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. પેપળું ગામના લોકોએ આ પરંપરાને સાચવી રાખી છે. જ્યારે ગામના યુવાનો સાથે વાત કરવામાં આવી ત્યારે યુવાનોએ કહ્યું કે, અમને અમારા ગામની આ પરંપરા માટે ગર્વ છે અને હજી પણ ભવિષ્યમાં ઐઆ પરંપારને સાચવી રાખીશું. અત્યારે આવા ગામડાંઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જે પોતાના વારસાને ગર્વથી સાચવતા હોય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button