બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી, ભાવા રબારી બન્યા વાઇસ ચેરમેન

બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સતત સતત ત્રીજીવાર શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
આ સાથે વાઇસ ચેરમેન પદે ભાવા રબારીના નામ પર મહોર લગાવવામાં આવી છે. નિયામક મંડળે શંકર ચૌધરીને ચેરમેન પદે અને ભાવા રબારીને વાઈસ ચેરમેન પદે રિપિટ કર્યા છે. જેથી આગામી અઢી વર્ષ સુધી શંકર ચૌધરી અને ભાવા રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.
આ વખતની ચૂંટણીમાં 16માંથી કુલ 15 બેઠકો બિનહરીફ
બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી કુલ 15 બેઠકો બિનહરીફ થઈ હતી. જો કે, દાંતા બેઠક ઉપર પાંચ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બે ઉમેદવારોએ અગાઉ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જ્યારે ત્રણ ઉમેદવારો ચૂંટણી લડવાના હતાં.
આપણ વાચો: પશુપાલકો માટે દિવાળી પહેલાં દિવાળી! બનાસ ડેરી ચૂકવશે ₹2909 કરોડનો ભાવ ફેર
ભાજપે ઉમેદવાર તરીકે અમરતજી પરમારનું નામ જાહેર કર્યું એટલે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ પણ દિલીપસિંહ બારડનું ફોમ ચાલુ રહેતાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજય થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પદ પર છેલ્લા દસ વર્ષથી શંકર ચૌધરી કાર્યરત છે
બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી, અને શરૂઆતમાં તેઓ ચેરમેન તરીકે રહ્યા હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈએ ચેરમેન પદ સંભાળ્યું, ત્યાર પછી પરથીભાઈ ભટોળે સતત 22 વર્ષ સુધી ચેરમેન તરીકે ડેરીનું નેતૃત્વ કર્યું.
છેલ્લા દસ વર્ષથી શંકરભાઈ ચૌધરી આ પદે કાર્યરત છે અને તાજેતરમાં તેમને અઢી વર્ષ માટે ફરીથી પસંદ કરાયા છે. હાલ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે અને તેનો વાર્ષિક ટર્નઓવર 15 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. રોજ 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે અને 80 લાખ લીટર દૂધનો સંગ્રહ થાય છે.



