બનાસકાંઠાના પાડલીયા ગામે હિંસક ઘર્ષણ: PIને તીર વાગતા ગંભીર, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પાડલીયા ગામે આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જંગલ ખાતાની જમીનના વિવાદમાં સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 13 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ અને વન વિભાગની ટીમ પર ગામલોકોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ છે.
સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર, પાડલીયા ગામે જ્યારે વન વિભાગની ટીમ જમીન વિવાદ અંગે કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. જોતજોતામાં ટોળાએ તીર-કામઠા અને પથ્થરો વડે હુમલો શરૂ કરી દીધો હતો. આ હિંસામાં ફરજ પર તૈનાત PI આર.બી. ગોહિલને કાનના ભાગે તીક્ષ્ણ તીર વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. તેમની સાથેના અન્ય અનેક પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠાની છાપરા પંચાયતનો મહત્ત્વનો નિર્ણય: દારૂડિયાઓનો કરશે બહિષ્કાર!
હિંસા એટલી ઉગ્ર હતી કે ટોળાએ સરકારી મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર, હુમલામાં 20થી વધુ પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા છે. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ કરી તેને આગ લગાડી દીધી હતી. ઈજાગ્રસ્ત PI અને અન્ય જવાનોને તાત્કાલિક સારવાર માટે અંબાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
આ હિંસક બનાવની જાણ થતા જ બનાસકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ઉતારી દેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ગામ અને ગબ્બર રોડ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જમીન વિવાદમાં શરૂ થયેલી આ બબાલ હવે મોટા ગુનાહિત કેસમાં ફેરવાઈ ગઈ છે.



