આંબા ઘાટ – દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડઃ બંધ થયેલા રસ્તાને પુનઃશરૂ કરાયો

દાંતાઃ બનાસકાંઠાના દાંતા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૨૬ મિ.લી એટલે કે ૮.૯૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચોમાસુ ઋતુના પ્રથમ ભારે વરસાદને પગલે આંબા ઘાટા દાંતા રોડ પર લેન્ડ સ્લાઇડ થયું હતું, જેના કારણે ચાર માર્ગીય રસ્તા પૈકી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારી યંત્રણાએ યુદ્ધના ધોરણે કામગીરી પાડ પાડતા રસ્તો શરુ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (R&B) બનાસકાંઠા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. લેન્ડ સ્લાઈડના લીધે રસ્તા પર ભેગા થયેલ ડેબ્રિસને તાત્કાલિક હટાવવાની કામગીરી કરીને યુદ્ધના ધોરણે રસ્તાને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે લોકોને મદદ પહોંચતી કરવા માટે પ્રશાસને સંબંધિત વિભાગોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે.