
મોડાસા: અકસ્માત થવાનો કોઈ સમય નક્કી હોતો નથી. ઘણીવાર રાતના સમયે ઓછી વિઝિબિલિટી અથવા અન્ય કારણોસર અકસ્માત સર્જાતો હોય છે. શનિવારની રાત્રે અરવલ્લીના મોડાસા ખાતે એક કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવકોનું મોત નિપજ્યું છે.
માઝૂમ નદીમાં કાર ખાબકી
9 ઓગસ્ટને શનિવારની રાત્રે 9 વાગ્યાની આસપાસ 4 યુવાનો કાર લઈને શામળાજી તરફ જવા નીકળ્યા હતા. પુરપાટ ઝડપે દોડી રહેલી કાર શામળાજી બાયપાસ પાસે પહોંચી ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવ્યો હતો.આ સમયે કાર માઝૂમ નદીના પુલ પાસેથી પસાર થઈ રહી હતી. પરિણામે કાર માઝૂમ નદીમાં ખાબકી હતી અને અકસ્માત સર્જાયો હતો.

મૃતકો શિક્ષકો હોવાની આશંકા
અકસ્માતની જાણ થતાં સ્થાનિકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર પૈકીના ત્રણ યુવકોના મોત થયા હતા તથા એક યુવકને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
મીડિયા સાથે વાત કરતા અરવલ્લી ASP સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું કે, કાર અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. કારમાં સવાર લોકો પ્રાથમિક દૃષ્ટિએ સ્કૂલના શિક્ષકો અથવા સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગી રહ્યું છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો…મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત, 4ના મોત, 7 ગંભીર રીતે ઘાયલ