દાહોદના પીપોદરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા

અરવલ્લીઃ એસીબી દ્વારા લાંચ લેતા ઇસમો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આચાર્ય ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આચાર્ય એસીબીના છટકામાં સપડાતાં સોંપો પડી ગયો હતો.
ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે ભાડે આપ્યું હતું. તેમના વાહનનું ભાડું રૂપિયા ૨૮૫૯૦ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ બેંક ખાતામા જમા થયું હતું. જેથી ગોપાલભાઇ વસ્તાભાઇ ચમાર (ઉ.વ.૫૧ ધંધો- નોકરી મુખ્ય શિક્ષક, આચાર્ય)એ તેમની પાસેથી કમીશનના નામે લાંચ પેટે રૂપીયા ૧૪૦૦૦ ની માંગણી કરી હતી.
આપણ વાંચો: GST નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવા લાંચ માંગનારા રાજ્ય વેરા અધિકારીને એસીબી ઝડપ્યો…
પરંતુ તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી પીપોદરા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાની ઓફિસ રૂમમાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા રૂા.૧૪,૦૦૦ લાંચ સ્વીકારી પકડાયા હતા. સ્કૂલમાં આચાર્ય જ લાંચ લેતા શિક્ષકોમાં પણ સોપો પડી ગયો હતો.
થોડા દિવસ પહેલા અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ લાંચ લેતો ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ કરેલા આરોપીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા અંગે પાંચ લાખની લાંચ માંગી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના વધુ એક ઇજનેર સામે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ સમગ્ર કચેરીમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો હતો.
આજે સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ટાઉન પ્લાનિંગ ઓફિસરની ચેમ્બર તેમજ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં અધિકારીઓ અને ઇજનેરો તો દૂર અરજદારો પણ જોવા મળ્યા ન હતા.એકંદરે સમગ્ર કચેરી ખાલીખમ જોવા મળી હતી.