ગુજરાતના 203 તાલુકામાં મેઘ મહેર, વરસાદથી આંશિક રાહત મળશે, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી…

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે. રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. ત્યારે 6 જુલાઈ સવારે 6 વાગ્યાથી 7 જુલાઈના 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ વરસાદ થાય એવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. આ સાથે માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. તો બીજી બાજુ ગુજરાતમાં 10મી તારીખ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
ક્યાં કેટલો વરસાદ વરસ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે ગઈકાલે 204 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં નોંધાયો હતો. અહીં 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ડાંગના સુબીર અને સુરતના બારડોલીમાં 5 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો. જ્યારે સુરતના પલાસણ અને ભાવનગરના વલ્લભીપુરમાં 4.5 આસપાસ વરસાદ નોંધવામાં આવ્યો. વ્યારા, વાંસદા, સોનગઢ, વઘઈ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 18 તાલુકામાં 2 ઈંચથી વધુ, 40 તાલુકામાં 1 ઈંચથી વધુ, 136 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો.
ત્રણ કલાકમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક કચ્છ જિલ્લા માટે ભારે હોઈ શકે છે. જ્યારે ભારેથી અતી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (7 જુલાઈ) નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યભરમાં છૂટા છવાયા વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદનું જોર ઘટશે!
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 8 જુલાઈ બાદ વરસાદનું જોર આંશિક રીતે ઘટવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 9 અને 10 જુલાઈના પણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે.