ગુજરાતના આ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા…

સુરતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને પંચમહાલના અનેક વિસ્તારમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. કેરી, ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદના કારણે આંબા પરથી મોર ખરી પડવાની ભીતિ છે. આ વર્ષની શરૂઆતમાં સારા પ્રમાણમાં આંબા પર મોર આવ્યો હતો. જેથી સારો ઉતારો આવવાની ખેડૂતોને આશા બંધાઈ હતી પરંતુ કમોસમી વરસાદે ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું છે.
આ પણ વાંચો: Ahmedabad શહેરમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પીવાલાયક છે કે નહિ ? જાણો અહેવાલ
આજે અને આવતીકાલે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
આજે વડોદરા, પંચ મહાલ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી છૂટાછવાયા સ્થળોએ વરસાદની અને થંડરસ્ટોર્મની વોર્નિંગ છે. 2 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી કરી છે. પાંચમી એપ્રિલ સુધી આ સ્થિતિ રહેશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ પણ આપી છે