
ગુજરાતમાં ગઈકાલ રાતથી પલટાયેલા હવામાનને લીધે 14 જણએ જીવ ગુમાવ્યાના અહેવાલો છે. જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ અહેવાલો અનુસાર 14 જણના વીજળી પડવાથી કે વૃક્ષ પડતા દટાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે અન્ય 15ને ઈજા પહોંચી હતી. રાજ્યમાં મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં તેમજ સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, અમરેલી અને વિરમગામમાં વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે કેટલાય પશુઓ પર મૃત્યુ પામ્યાના સમાચાર છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા લોકોને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ 25મી નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 26મી નવેમ્બરે એટલે આજે રવિવારે ઠેર ઠેર વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. માત્ર છાંટા કે એકાદ ઝાપટું નહીં પણ ચોમાસાની ઋતુની જેમ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો અને ગાજવીજ અને ગડગડાટ પણ થયા હતા.
આ કમોસમી માવઠાને લીધે ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જો જૂનાગઢમાં સુરક્ષાને ધ્યાને રાખી ગિરનાર રોપ-વે બંધ કરી દેવાયો છે. લીલી પરિક્રમામાં પણ થોડો અવરોધ ઊભો થયો હતો. અનેક ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી.
દરમિયાન જાપાનની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ અહીંની સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે કૃષી પ્રધાન રાઘવજી પટેલ સાથે ફોન પર ચર્ચા કરી હતી. રાજ્યમાં અચાનક ત્રાટકી પડેલી આ આફતથી થયેલા માલના નુકસાનનો અંદાજ હવે પછીથી આવશે.