ગુજરાતમાં ‘વિકએન્ડ વાઇફ’નો અનોખો કિસ્સો: પત્ની દૂર રહે છે, ફક્ત વિકએન્ડ પર જ મળે છે તેવી હાઇકોર્ટમાં રજૂઆત
અમદાવાદ: સુરત રહેતા એક પતિએ ફેમીલી કોર્ટમાં ‘હિન્દુ મેરેજ એક્ટ’ હેઠળ અરજી કરી હતી કે તેની પત્ની તેને પૂરતો સમય આપી નથી રહી, જેના કારણે તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઉભી થઇ છે. લગ્ન બાદ નોકરીનું કારણ આપીને પત્ની તેના માતાપિતાના ઘરે રહેવા જતી રહી હતી, અને અઠવાડિયામાં ફક્ત 2 દિવસ જ તે તેને મળે છે તેવી પતિએ રજૂઆત કરી હતી. જો કે પતિની આ અરજીનો જવાબ આપવા માટે પત્નીએ હવે ગુજરાત હાઇકોર્ટનું શરણ લીધું છે.
વર્ષ 2022માં પતિએ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે પત્ની નોકરીના કારણે દૂર રહે છે અને અઠવાડિયામાં માત્ર 2 દિવસ મળવા આવે છે. તે આનાથી સંતુષ્ટ નથી. પતિ તરીકે તેના વૈવાહિક અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પત્ની પતિ પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવતી નથી. બંનેને એક પુત્ર પણ છે, અને આ વાતની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.
ફેમીલી કોર્ટમાંથી મળેલી નોટિસનો જવાબ આપતા પત્નીએ તેનો પક્ષ રજૂ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે બંને વચ્ચે કોઇ ગંભીર વિવાદ નથી. ફક્ત નોકરીના કારણે તે તેના માતા-પિતા સાથે રહે છે. તે અઠવાડિયામાં 2 દિવસ પતિની મુલાકાત લે છે, તો શું 2 દિવસ પૂરતા નથી? માત્ર 2 દિવસ માટે પતિને મળવું એ વૈવાહિક જવાબદારીઓમાંથી છટકી જવું ગણાય છે? પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિનો પોતાને તરછોડવાનો દાવો ખોટો છે. કે મેં તેને છોડી દીધો છે તે ખોટો છે. પત્ની તરીકેની જવાબદારીઓ તે ખૂબ સારી રીતે નિભાવી રહી છે, તેથી કેસ રદ થવો જોઈએ.
બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વીડી નાણાવટીએ પત્નીને પૂછ્યું હતું કે જો પતિ તેની પત્નીને તેની સાથે રહેવાનું કહે તો એમાં ખોટું શું છે? શું તેને કેસ કરવાનો અધિકાર નથી? આ મુદ્દે વિચારણાની જરૂર હોવાનું જણાવી હાઇકોર્ટે પતિને 25મી જાન્યુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.