આપણું ગુજરાત

અંજારના જોગણીનાળના દરિયાકાંઠેથી મળ્યું પાંચ કરોડનીકિંમતનું ‘મેક્સિકન’ હેરોઇનનું બિનવારસુ પેકેટ

ભુજ: પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ માટે સીમાવર્તી કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં છે.
ગુજરાતના સાગરકાંઠે આવેલા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા કચ્છના નિર્જન ટાપુઓમાંથી સમયાંતરે મળી રહેલાં ચરસના બિનવારસુ પેકેટોના સંખ્યાબંધ બનાવો વચ્ચે ગત ૧૫મી ઓગસ્ટ બાદ કચ્છના જખૌ, નારાયણ સરોવર, જુદી જુદી ક્રીક, મુંદરા અને માંડવી સહિતના કાંઠેથી કરોડો રૂપિયાના બિનવારસુ માદક પદાર્થોના પેકેટ તેમજ પાકિસ્તાનની નેવીના વિસ્ફોટકો મળી ચૂક્યા છે ત્યારે આ વખતે અંજાર તાલુકામાં આવતા જોગણીનાળ વિસ્તારના દરિયાકાંઠેથી એક કિલોનું હેરોઇન ભરેલું પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
આ અંગે કંડલા મરીન પી.આઇ. એચ.કે. હુંબલે જણાવ્યું હતું કે, એક સ્થાનિક માછીમારે દરિયાકાંઠે શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ કરતાં મરીન પોલીસે ઘટનાસ્થળે પહોંચી સફેદ પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલા સફેદ પદાર્થને એફ.એસ.એલમાં મોકલાવ્યો હતો જ્યાં આ માદક પદાર્થ ઉચ્ચ ગુણવતાયુક્ત હેરોઇન હોવાનું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. પાંચ કરોડથી વધુની હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના હરામીનાળા અને તેની આસપાસના કેટલાક કુખ્યાત લેન્િંડગ પોઈન્ટ્સ પાસે ભારે સુરક્ષા વ્યવસ્થા હોઈ હવે આ નાપાક ડ્રગ પેડલરોએ તેના હરામીનાળા વાળા દરિયાઈ માર્ગ પરથી ઘૂસણખોરી કરવાનું ટાળીને માંડવી તેમજ જોગણીનાળ આસપાસના દરિયાકાંઠામાં થઈને ભારતીય સીમામાં માદક પદાર્થો ઘુસાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હોવાની પ્રબળ આશંકા ઊભી થઇ છે. એકાદ માસ અગાઉ માંડવી તાલુકાના બાડા પાસેથી એક શંકાસ્પદ પાકિસ્તાની ‘ફાઈબર’ બોટ બિનવારસુ હાલતમાં મળી આવી હતી. ૮૦ અને ૯૦ના દાયકામાં દાણચોરી માટે ધોલુપીર અને બાડા પાસેના ટ્રાન્ઝિટ પોઇન્ટ કુખ્યાત હતા, ત્યારે વર્ષો બાદ આવી નાપાક ગતિવિધિઓ સામે આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button