ઊલટી ગંગાઃ પત્નીના મારથી એક નહીં ત્રણ પતિ ઘવાયા, હોસ્પિટલમાં દાખલ કરાયાં

અમદાવાદઃ ડૉમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસા કોઈ સંજોગોમાં આવકાર્ય નથી. પત્ની કે પતિ એકબીજાની મારપીટનો ભોગ બને તે સભ્ય સમાજમાં શરમજનક જ કહેવાય, પરંતુ મોટેભાગે પત્નીઓ આવી મારઝૂડનો ભોગ બનતી હોવાના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે ગુજરાતના સુરતમાં આનાથી વિપરીત પત્નીઓએ પતિએ માર્યા હોવાનો અને તેમણે હૉસ્પિટલ ભેગા થવાનો વારો આવ્યાનું જાણવા મળ્યું છે. આવા ત્રણ કિસ્સા એક જ દિવસમાં બહાર આવતા સૌનું ધ્યાન વધારે ખેંચાયું છે.
આ ત્રણેય ઘટના સુરતમા બની છે. પહેલા કિસ્સામાં પાંડેસરા વિસ્તારમાં રહેતો પંચમ (ઉં.વ. 25) મંગળવારે સવાર સિવિલમાં આવ્યો હતો. તેણે મેડિકો લીગલ કેસ કરાવી સારવાર લીધી હતી. તબીબ સમક્ષ પંચમે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને વેલણથી ફટકાર્યો હતો. જેના લીધે તેના જમણા હાથમાં અસહ્ય પીડા રહી છે અને તે સહન કરી શકતો નથી. આથી તેને ફ્રેક્ચર થયું હોવાનું લાગતા તે હૉસ્પટલમાં આવ્યો હતો.
જો બીજા કેસમાં આ જ વિસ્તારમાં રહેતા સંદીપ (32)એ તબીબને કહ્યું હતું કે, મંગળવારે બપોરે ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેનો ડાબો કાન કરડી લેતા તે લગભગ છૂટો પડી ગયો હતો અને તેણે 108ની મદદ લઈ હૉસ્પિટલ પહોંચવું પડ્યું હતું. જ્યારે ત્રીજો બનાવ સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા ગણપત નામના 50 વર્ષીય આધેડ પુરુષે ડોક્ટરની સારવાર લીધી હતી. તેના જણાવ્યા અનુસાર વેલી સવારે ચારેક વાગ્યે પત્નીએ કોઈ કારણોસર ક્રોધ આવતા તે સૂતેલો હતો ત્યારે અચાનકથી તેનું ગળું દબાવ્યું હતું અને જમણા હાથેથી આંગળી મચકોડી નાખતા તેને ભારે દુખાવો ઉપડ્યો હતો અંતે તે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો હતો.
સામાન્ય રીતે પતિઓની સતામણીને હસીમજાકમાં લેવામાં આવે છે કે તેના જૉક્સ બને છે, પરંતુ સમાજમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવ અને આ રીતે એકબીજા સામે હિંસક વલણ અપનાવવાના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.