નવસારીમાં રેલવેટ્રેક પર બેસી વાતો કરતા બે મિત્રોને ટ્રેનની અડફેટે ચડતા મોતને ભેટ્યા
નવસારીઃ નવસારી રેલવે સ્ટેશન પાસેના વિજલપોર રેલવે ફાટક નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર બે યુવકોના મોત નીપજ્યા. રાત્રે બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કચડાયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. છેલ્લા 10 મહિનામાં જ અહીં સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં 20થી વધુ લોકોનાં મોત નીપજી ચૂક્યા છે.
પોતાના ઘર નજીક બન્ને મિત્રો ટ્રેક પર બેઠા હતા:
નવસારીના વિજલપોર વિસ્તારમાં રામનગર વિસ્તારમાંથી ફ્રેઈટ કોરિડોરની રેલવે લાઈન પસાર થાય છે. આ વિસ્તારમાં જ રહેતા રામજન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે મિત્રો રાત્રિના સમયે ટ્રેક પર જઈને બેઠા હતા. આ સમયે બંને મિત્રોને ટ્રેન આવી રહી હોવાની જાણ થઈ ન હતી અને બંને ટ્રેનની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ બંનેના મોત થયાં હતાં.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા:
ઘટનાના પગલે નવસારી પોલીસ અને રેલવે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મૂળ યૂપીના રહેવાસી હોવાનું અને રોજગારી માટે નવસારીમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. નવસારીમાં છૂટક મજૂરી કરી બંને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
છેલ્લા 10 મહિનામાં 20થી વધુના મોત:
નવસારીના વિજલપોર વિસ્તારમાંથી ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડોરની લાઈન પસાર થાય છે. આ રેલ લાઈન જ્યાંથી પસાર થાય છે તેની આસપાસ રહેણાક વિસ્તારો આવેલા છે. અહીં અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેકની બંને તરફ પાકી દીવાલ બનાવવામાં આવી છે. તેમ છતાં કેટલાંક સ્થળો પર દીવાલ તોડી નાખવામાં આવી છે, અહીંથી લોકો અવરજવર કરે છે, જેને કારણે છેલ્લા 10 મહિનામાં જ અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં 20થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે.
Also Read –